મોરબી : સુરતની આગ દુર્ઘટનામા ૨૩ નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ ગયા છે. આ વિદ્યાર્થીઓને ઠેર ઠેર ભાવભેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ ટ્યુશન કલાસ એસો. અને એબીવીપી દ્વારા હતભાગી વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. મોરબી ટ્યુશન કલાસ એસોસિએશન દ્વારા સરદાર બાગ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતની આગ દુર્ઘટનામા મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપીને તેઓની આત્મશાંતિ અર્થે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ તકે ટ્યુશન સંચાલકોએ વિદ્યાર્થીઓની પુરી સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર સેફટી સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મોરબીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ સરદાર બાગ નજીક સુરતના હતભાગી વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે બે મિનિટ મૌન પણ પાડવામાં આવ્યું હતું.