મોરબી વિધાનસભા બેઠકની મતગણતરીમા પ્રથમ પાંચ રાઉન્ડમાં માળિયા પંથકના ઇવીએમ મશીનના મત ગણાતા કોંગ્રેસ આગળ રહ્યું , બાદમાં મોરબીના ઇવીએમ ખુલતા ભાજપે લીડ મેળવી મોરબી : કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમદેવાર વિનોદ ચાવડાને મોરબીમાંથી ૪૮,૦૨૪ મતની લીડ મળી છે. મોરબી વિધાનસભા બેઠકમાં ભાજપને કુલ ૧,૦૪,૭૪૭ અને કોંગ્રેસને ૫૬,૭૨૩ મત પડ્યા હતા. શરૂઆતના પાંચ રાઉન્ડમાં માળિયા પંથકના ઇવીએમ ખુલતા કોંગ્રેસ આગળ રહ્યું હતું. પરંતુ ત્યારબાદ મોરબી શહેરના ઇવીએમ ખુલતા ભાજપ લીડ ભણ્યું હતું. કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં મોરબી વિધાનસભા બેઠકના ૧,૬૭,૭૧૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગઈકાલે હાથ ધરવામાં આવેલ મતગણતરીમા મોરબી વિધાનસભા બેઠકમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ૪૮,૦૨૪ મતની લીડ મળી હોવાનું સામે આવ્યું છે. મોરબી વિધાનસભા બેઠકમા ભાજપના વિનોદ ચાવડા તરફે ૧,૦૪,૭૪૭ અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી તરફે ૫૬,૭૨૩ મત પડ્યા હતા. કચ્છ લોકસભાની તમામ વિધાનસભા બેઠકોની લીડ ઉપર નજર કરીએ તો ભાજપના વિનોદ ચાવડાને અબડાસામા ૨૭૩૦૭, માંડવીમાં ૪૧૨૧૬, ભુજમાં ૪૯૨૫૩, અંજારમા ૫૫૧૧૦, ગાંધીધામમાં ૫૨૬૬૧, રાપરમા ૨૮૯૫૩, મોરબીમાં ૪૮૦૨૪ની લીડ મળી હતી. મોરબીમાં કુલ ૨૯૮૯ મત નોટામા પડ્યા હતા. મોરબી વિધાનસભા બેઠકની મત ગણતરી વખતે શરૂઆતના પાંચ રાઉન્ડમાં માળિયા પંથકના એવીએમ મશીનો આવ્યા હતા. આ વેળાએ કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી આગળ રહ્યા હતા. પરંતુ પાંચ રાઉન્ડ બાદ મોરબી શહેર અને તાલુકાના ઇવીએમ મશીનો ખુલતા ભાજપના વિનોદ ચાવડા ઉપર મતોનો રીતસર મારો ચાલ્યો હતો. આમ મોરબી શહેર અને તાલુકામાંથી ભાજપને પુષ્કળ પ્રમાણમાં મત મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા મોરબી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ જીત હાંસલ કરી હતી. પાટીદાર આંદોલનની જબરી અસર મોરબી જિલ્લાની બેઠકો પર જોવા મળી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસ શાસિત છે. તેમ છતાં લોકસભાની ચૂંટણીમાં મોરબી વિધાનસભા બેઠકમાંથી ભાજપના ઉમેદવારને સારી લીડ મળી છે. આમ મોરબી બેઠક પર ભાજપ કમબેક કર્યું છે.