રાજકોટ બેઠકની સાથે કચ્છ બેઠક પર પંજાને કચડીને કમળ ખીલી ઉઠતા ભાજપમાં જશ્નનો માહોલ મોરબી : રાજકોટ લોકસભા બેઠકની સાથે કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની જંગી લીડથી જીત થઈ છે.ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ 3 લાખ મતની જંગી લીડથી પુનરાવર્તન કર્યું છે .કચ્છ લોકસભાની બેઠક મોરબી માળીયા સાથે સંકળાયેલી હોવાથી આ બેઠક પર ભાજપની જીત થતા સમગ્ર ભાજપ છાવણીમાં જશ્નનો માહોલ છવાયો છે.એકંદરે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ પર ભાજપનું વિજયી બુલડોઝર ફરી વળતા ભાજપના દરેક આગેવાનો અને કાર્યકરોમાં ભારે દિવાળી જેવો ઉત્સવ સર્જાયો છે. આજ રીતે કચ્છ બેઠકમાં પણ પંજાને કચડીને કમળ ખીલી ઉઠ્યું છે.કચ્છ લોકસભા બેઠકમાં ભાજપે પણ ભવ્ય જીત હાંસલ કરી છે.આજે કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી શરૂ થતાની સાથે ભાજપે લીડ મેળવવાનું શરૂ કરી દીધું હતું.આ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો.મતગણતરીના તમામ રાઉન્ડ પુરા થયા બાદ છેલ્લે મળતી માહિતી મુજબ વિનોદભાઈ ચાવડાએ 3 લાખની લીડ મેળવી વિજય હાંસલ કર્યો છે.મોરબી જિલ્લો ચાર લોકસભાની બેઠક સાથે વહેંચાયેલો છે.ત્યારે રાજકોટ અને કચ્છ બેઠક મોરબી જિલ્લા માટે મહત્વની ગણાય છે અને મોરબી જિલ્લાના મતદારો આ બન્ને બેઠક માટે નિર્ણાયક રહ્યા હતા.ત્યારે આ બન્ને બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર ભાજપમાં વિજ્યોત્સવનો માહોલ સર્જાયો છે.