આરોપીઓએ મીતાણામા રાત્રીના સમયે છરીની અણીએ એક પરિવારને લૂંટયો હોવાની કબૂલાત આપી ટંકારા : ટંકારા નજીક એક મિલમાં લૂંટ ચલાવનાર બે આરોપીઓનો સુરતની જેલમાંથી કબજો મેળવ્યા બાદ તેઓની એક દિવસની રિમાન્ડ દરમિયાન ટંકારા પોલીસે આકરી પૂછતાછ કરી હતી. જેમાં આરોપીઓએ અગાઉ મિતાણામાં પણ એક પરિવારને છરીની અણીને લૂંટી લીધો હોવાની કબૂલાત આપી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કાકડવા ગામના રાજુ રેવશીંગ અલાવા ઉં. વ. 27 ધંધો ખેતી, અને નિલેશ શંકરભાઇ અલાવા ઉં. વ. 19 ધંધો ખેતી રહે બન્ને એમ.પી. વાળાઓની ટંકારા તાલુકામાં દેવ કોટન મિલમાં થયેલ લૂંટ અને ધાડના ગુન્હામા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી કબજો મેળવી ટંકારા પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. બાદમાં કોર્ટે આ બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ એક લૂંટના કેસનો પણ ભેદ ઉકેલાયો છે. આ આરોપીઓએ કબૂલાત આપી હતી કે ચારેક મહિના પૂર્વે તેઓએ મીતાણામા દેવજીભાઈ કલાભાઈ પટેલના ઘરે તેઓને તેમજ તેમના પત્ની અને દીકરીને છરી બતાવીને દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી હતી. બાદમાં ભાગતી વેળાએ તેઓના વાહનોની હવા અને પ્લગ પણ કાઢી નાખ્યા હતા. આમ ટંકારા પોલીસને એક સાથે બે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મધ્યપ્રદેશના ધારની આ ટોળકીએ અગાઉ અનેક ગુના આચર્યા હોય આગળની તપાસમાં પણ અનેક ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા સેવાઈ રહી છે.