તપાસ અર્થે મોરબીની મુલાકાત લીધા બાદ સીઆઇડી ક્રાઇમના ડીઆઈજીએ ઈનામ જાહેર કર્યું મોરબી : મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસમાં હજુ સુધી સીઆઇડી ક્રાઇમને પણ કોઈ મહત્વની કડી મળી નથી. ત્યારે આ કેસમાં આરોપીની માહિતી આપનારને રૂ. ૫૦ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં વર્ષ ૨૦૧૫ના નિખિલ ધામેચા કેસમાં શકમંદ આરોપી એક્ટિવાચાલક હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત પોલીસને તેનો એક્ટિવામાં સવાર હોય તેવો ફોટો પણ હાથ લાગ્યો હતો. બાદમાં સ્થાનિક પોલીસને તેનાથી આગળની કોઈ કડી મળી ન હતી. સ્થાનિક પોલીસે અનેક શકમંદોની તપાસ પણ ચલાવી હતી. તેમ છતાં કેસનો ભેદ ઉકેલવામાં તેમને સફળતા મળી ન હતી. અંતે આ કેસને સીઆઇડી ક્રાઇમને સોંપવામા આવ્યો હતો. જો કે સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંગ પવાર તાજેતરમાં તપાસ અર્થે મોરબીમાં આવ્યા હતા. અહીં તેઓને આરોપીની માહિતી આપનારને ઇનામ આપવાનું જાહેર કરવાનું જણાતા તેઓએ આ અંગે ઉછકક્ષાએ રજુઆત કરી હતી. બાદમાં આ કેસના આરોપીની માહિતી આપનારને રૂ. ૫૦ હજારનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. હાલ મોરબીના અનેક સ્થળોએ આ જાહેરાતના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.