ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરાશે : સમાજના ૧૦ હજાર લોકો સમુહલગ્નના સાક્ષી બનશે લગ્નોત્સવના આયોજન અંગે સરદાર લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી અને કન્વીનર નરેન્દ્રભાઈ સંઘાત સાથે 'મોરબી અપડેટ'ની ખાસ વાતચીત મોરબી : ટંકારાના હરબટીયાળી મુકામે અખાત્રીજના દિવસે સરદાર લેઉવા પાટીદાર સમાજ, સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નને 'એક માંડવે' લગ્ન નામ આપવામાં આવ્યું છે. જેમા સમાજના ૬૨ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.આ તકે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા પણ કરાશે. આ સમગ્ર આયોજન અંગે વિગતો આપવા સરદાર લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી અને કન્વીનર નરેન્દ્રભાઈ સંઘાતે 'મોરબી અપડેટ' ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમા સરદાર લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું કે સમુહલગ્નમાં માત્ર જરૂરિયાત મંદ પરિવારો જ જોડાતા હોય છે. એ વાત બરાબર નથી. અમે આ સમૂહ લગ્નનું નામ એક માંડવે લગ્ન રાખ્યું છે. જેમાં સમાજનો અમિર વર્ગ અને જરૂરિયાતમંદ બન્ને ઉત્સાહભેર જોડાશે. આ સમુહલગ્નનો મૂળ હેતુ સમાજ એક તાંતણે બંધાઈ સમાજમાં એકતા વધે તેવો છે. આ સમુહલગ્નના આયોજનમાં સમાજના આગેવાનોએ ખૂબ સહયોગ આપ્યો છે. સમુહલગ્ન દરમિયાન અનેકવિધ સેવાકાર્યો પણ કરવામાં આવનાર છે. જેમાં રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથે ૧૩ દીકરીઓ એવી છે જેમના પિતા નથી. આ ૧૩ દીકરીઓને રૂ. ૧૬,૫૦૦ની ૨૦ વર્ષની ફિક્સ ડિપોઝિટ કરાવી આપવામાં આવશે. સમૂહ લગ્ન સમિતિના કન્વીનર નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું કે ટંકારાથી ૧૦ કિમિ દૂર રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ હરબટીયાળી ગામે હાઈસ્કૂલમાં તા. ૭ના રોજ અખાત્રીજના પર્વે આ સમુહલગ્ન યોજવાના છે. જયારે જમણવાર સમાજ વાડીના ગ્રાઉન્ડમાં યોજાશે. આ સમૂહ લગ્નમાં કરીયાવર કમિટી બનાવવામાં આવી છે. જેમાં રામજીભાઈ સંઘાત અને ભીખાભાઈ કાર્યરત છે. કરિયાવર સમિતિ દ્વારા દીકરીઓને ૫૧ વસ્તુઓ કરીયાવરમા ભેટ આપવા નક્કી કરાયું હતું. પરંતુ સમાજના અનેક લોકો જે મેન્યુફેક્ચરિંગ તેમજ ગૃહ વ્યવસાય કરે છે. તેઓએ પણ બીજી ૨૪ વસ્તુઓ આપવાનું કહેતા હવે દીકરીઓને કરિયાવરમા ૭૫ વસ્તુઓ આપવામાં આવનાર છે. સરદાર લેઉઆ પાટીદાર સમાજના ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢીએ જણાવ્યું કે તા. ૭ને મંગળવારે વહેલી સવારે ૦૫:૧૫ કલાકે જાન આગમન, ૦૫:૧૫ કલાકથી ૦૭:૩૦ કલાક સુધી અલ્પાહાર, સવારે ૦૯:૦૦ કલાકે હસ્તમેળાપ, ૦૯:૩૦ કલાકે સમાજના શ્રેષ્ઠીઓની રક્તતુલા, ૧૦:૩૦ કલાકે ભોજન અને સવારે ૧૧:૪૫ કલાકે કન્યા વિદાય સહિતના પ્રસંગોમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તા. ૫ના રોજ પ્રભુનગર હાઈસ્કૂલ, હરીપર સમાજવાડી, ટંકારા સરદાર પટેલ વિદ્યાલય અને સાવડી પટેલ સમાજ આમ ચાર સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પ માટે અત્યારથી જ ૮૦૦ થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે લોકો રક્તદાન કરશે તેઓને એક ગિફ્ટ પણ આપવામાં આવશે.સમૂહલગ્નના દિવસે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરવામા આવશે. વિધાનસભાના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ જ્યા સુધી પોતાના વજન જેટલું રક્તદાન નહિ કે ત્યાં સુધી તેઓ ક્યારેય પોતાની રક્તતુલા નહિ કરે. જેથી આ તકે તેઓની સાકરતુલા કરવામાં આવશે. ઉપરાંત સમુહલગ્નની વ્યવસ્થા માટે ચા પાણી કમિટી, સમિયાણા કમિટી, કરિયાવર કમિટી સહીતની કમિટીઓ બનાવવામાં આવી છે. કુલ ૧૦ હજાર જેટલા સવ્યમસેવકો છે. આ સમુહલગ્નના પ્રસંગે કુલ ૧૦ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે. અંતમાં અશોકભાઈ પટેલે ઉમેર્યું કે સમુહલગ્ન એ શક્તિનો સદુપયોગ છે. આ સમૂહ લગ્નથી સમાજના ૧.૫૦ કરોડ રૂપિયા બચશે. જેથી આ રૂપિયા સમાજના લોકો સારા કામ માટે ઉપયોગમા લઈ શકશે. નરેન્દ્રભાઈ સંઘાતે કહ્યું કે પટેલ સમાજ ખેતી સાથે સંકળાયેલ સમાજ છે. અત્યારે સમાજના ૪૦ ટકા લોકોએ શહેરી વિસ્તારમાં સ્થળાંતર કર્યું છે. હાલ સમાજ આગળ વધી રહ્યો છે. સમાજના લોકો પોતપોતાની રીતે લગ્ન કરે તેમાં નાણાનો વ્યય ખૂબ થાય છે. ત્યારે સમૂહલગ્નના કારણે સમાજના નાણા પણ બચે છે. સાથે સમય પણ બચે છે. વધુમાં તેઓએ ઘડિયા લગ્ન વિશે જણાવ્યું કે મોરબી- માળીયા સમૂહલગ્ન સમિતિએ ઘડિયા લગ્ન અંગેની જે જાગૃતિ લાવી છે. તે ખૂબ સરાહનીય છે. ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉદ્ઘાટન કરશે. ગુજ.રાજ્ય વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પી.પી.સવાણી ગ્રુપ સુરતના મહેશભાઈ સવાણી, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી ગોપાલભાઈ વસ્તરપરા, અ. ભા.પાટીદાર શિક્ષા મહાસંઘના શિવલાલભાઈ વેકરીયા, ખોડલધામના સહ મંત્રી રજનીકાંત પટેલ, એ.પી.પટેલ કન્યા છાત્રાલય રાજકોટના ગોવિંદભાઇ ખૂંટ સહિતના મહાનુભાવો કાર્યક્રમના મુખ્ય મહેમનો તરીકે ઉપસ્થિત રહેશે. https://youtu.be/wB1fMOcaceg