મજુર યુવાનની હત્યા થયાનું ખુલ્યા બાદ ભેદી રીતે ગુમ થનાર પત્ની અને કૌટુંબિક ભાઈ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો મોરબી : મોરબીના ભડિયાદ ગામે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં મજુર યુવાનની સળગેલી લાશ મળી આવ્યા બાદ તેની હત્યા થયાનું ખુલ્યું હતું.જોકે બનાવ બાદ ભેદી રીતે ગુમ થયેલી તેની પત્ની અને કૌટુંબિક ભાઈ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.ત્યારે આ આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાથી ત્યાં છે કે તેનો પતો મેળવવા તાલુકા પોલીસની ટીમ મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે. મોરબીના ભડિયાદ ગામ પાસે આવેલ આશુતોષ પ્રા. લી. નામની સીરામીક કંપનીની ઓરડીમાં ગતતા.27ના રોજ મજુર યુવાન જસવંતસિંગની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.જોકે આ બનાવની તપાસમાં મૃતક સાથે જ રહેતી તેની પત્ની માંગીબેન અને કૌટુંબિક ભાઈ પપ્પુ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં પોલીસની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.ત્યારે બનાવ બાદ ભેદી રીતે લાપતા બનેલા પત્ની અને કૌટુંબિક ભાઈ પોલીસની શંકાના દાયરામાં આવી ગયા હતા.પોલીસે મજુર કોન્ટ્રાકટરની ફરિયાદ પરથી આ બન્ને આઓપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને બન્નેની શોધખોળ હાથ ધરી હતી.આ અંગે તપાસનીશ પોલીસ અધિકારી રાણાએ જણાવ્યું હતું કે, બને આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે.તેથી આરોપીઓ મધ્યપ્રદેશમાં ગયા હોય એવી શંકાને આધારે ત્યાં તપાસ કરવા માટે મોરબી તાલુકા પીએસઆઈ ઋતુરાજસિંહ જાડેજા સહિતની પોલીસ ટીમ મધ્યપ્રદેશ દોડી ગઈ છે.ત્યારે આરોપી પકડાયા બાદ જ હત્યાના કારણની સાચી હકીકતો જાણવા મળશે તેમ તેમને જણાવ્યું હતું.