નટરાજ ફાટક નજીક ખેલાયો ખૂની ખેલ : કાકાએ ભત્રીજાને તમાચો મારતા બે ભત્રીજા સહિત પાંચ શખસોએ હત્યા કરી મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થી ક્ષત્રિય આધેડની બે સગા ભત્રીજા સહિત પાંચ શખ્સોએ મોડી રાત્રે હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. હત્યાના આ બનાવમાં ડ્રાઈવરને ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી અને અને કાકાએ ભત્રીજાને મારેલો તમાચો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નટરાજ ફાટક પાસે મોડી રાત્રીના આશરે સાડાત્રણ વાગ્યાની આસપાસ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ખોડિયાર ટ્રાવેલ્સ ના માલિક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાને તેના સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા સહિતના પાંચ શખસોએ નજીવી બાબતમાં રહેસી નાખ્યા હતા. હત્યાના મૂળમાં હત્યારા ભત્રીજાએ ટ્રાવેલ્સના ડ્રાઇવરને રૂપિયા આપેલા હતા આ રૂપિયાની ઉઘરાણી કરવા ભત્રીજો જયરાજ ટ્રાવેલ્સની ઓફિસ પર ગયો હતો ત્યારે કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા એ બાળક સમજી ઠપકો આપી તમાચો માર્યો હતો જે બાબતનો ખાર રાખી ભત્રીજાએ ખૂની ખેલ ખેલ્યો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં જયરાજે મોડી રાત્રીના કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાને ફોન કરી સમાધાનકરવા બોલાવ્યા હતા જેથી ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા પોતાની સાથે અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, વિમલગીરી હર્ષદગીરી ગોસ્વામી અને એઝાઝ રઝાકભાઈ પઢીયારને લઈને તેની સફેદ કલરની સેન્ટ્રો કાર ન.જીજે 01 KM 2116 માં નહેરુગેટ પહોંચ્યા હતા જ્યાં તેનો સગો ભત્રીજો જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, અજયસિંહ વિજયસિંહ જાડેજા,દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા,મુકેશ ભરવાડ, કુમાર વાણીયા નામના ઈસમો હ્યુન્ડાઇ ક્રેટા અને વરના કારમાં અચાનક જ ધસી આવી ફિલ્મી ઢબે મૃતક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની સેન્ટ્રો કારનો પીછો કર્યો હતો અને તલવાર ધોકા વડે કાર પર હુમલો કર્યો હતો. બાદમાં નટરાજ ફાટક નજીક મૃતક કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની કારને આંતરી લઈ ઉપરોક્ત ઈસમોએ આડેધડ તલવાર અને તીક્ષણ હથિયારના ઘા ઝીકવા મંડ્યા હતા જેમાં કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે કારમા રહેલા અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, વિમલગીરી હર્ષદગીરી ગોસ્વામીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ખૂની ખેલ બાઈક લઈને આવેલા એઝાંઝ રઝાકભાઈ પઢીયારની નજર સમક્ષ બન્યો હોય પોલીસે ઇજાગ્રસ્ત અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદ લઈ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાની પણ પોલીસને શંકા છે. આ બનાવના પગલે મોરબી ડીવાયએસપી બન્નો જોશી એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ આર.ટી.વ્યાસ, એસઓજી પીઆઈ એસ.એન.સાટી, બી-ડિવિઝન પીઆઈ આઈ. એમ.કોંઢિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.