ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમતના અંતે આગને કાબુમાં લેતા રાહતનો દમ મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ આનંદ કેમિકલ નામના કારખાનામાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી.જેમાં પ્લાસ્ટિકનો માલ બળીને રાખ થઈ ગયો હતો. આ બનાવને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈને ભારે જહેમતના અંતે આગને કાબુમાં લીધી હતી. આ આગના બનાવની મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર પીકનીક સેન્ટરની બાજુમાં આવેલ આનંદ કેમિકલ નામના યુનિટમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી અને આ આગની લપેટમાં જોતજાતમાં આ કારખાનાના પ્લાસ્ટિકના કાચા માલનો જથ્થો આવી ગયો હતો આથી આગમાં પ્લાસ્ટીકનો કાચો માલ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો .આ બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગના વિનયભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આ બાબતે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ભારે જહેમતના અંતે આ કારખાનાના પ્લાસ્ટિકના કાચા માલમાં લાગેલી આગ હાલ કાબુમાં આવી ગઈ છે.જો કે આગનું સાચું કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે આ આગમાં કોઈ જાનહની થઈ નથી.સમયસર આગ કાબુ આવી જતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે.