લોકોને મનગમતા પુસ્તકો પુરા પાડતા પુસ્તક પરબના યુવા સભ્યો સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર. જે. રવિ બરાસરા કરશે સીધો સંવાદ મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલ મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં પુસ્તક પરબની ટીમ મહેમાન બનવાની છે. યુવાનોની આ ટીમ મોરબીમાં પુસ્તક વાંચન તરફ લોકો પ્રેરાઈ તેવા છેલ્લા ૨ વર્ષથી પ્રયત્ન કરી રહ્યું છે. તેઓના આ પ્રયત્નોને સફળતા પણ મળી છે. આ યુવાનોની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરવાના છે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કર્ણ પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે. જેમાં અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આ શોમાં આજે પુસ્તક પરબની ટીમ પધારવાની છે. પુસ્તક પરબની આ યુવા ટીમમાં કોઈ પ્રમુખ નથી. સૌ કોઈ હળી મળી અને લોકો પુસ્તક વાંચવા તરફ પ્રેરાઈ તે દિશામાં પ્રયત્નો કરે છે. બે વર્ષ પૂર્વે પુસ્તક પરબની શરૂઆત થઈ હતી. આ વેળાએ તેઓ પાસે માત્ર ૨૫૦ જેટલા જ પુસ્તકો હતા. હાલ આ પુસ્તક પરબ એક છોડમાંથી વટવૃક્ષમા રૂપાંતરિત થતા તેઓ પાસે ૩ હજારથી વધુ પુસ્તકોનો ખજાનો છે. આ યુવાનો દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે. વધુમાં પુસ્તક પરબની આ યુવાટીમ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રીડર્સની સરળતા માટે પ્રતિબદ્ધ છે. ટીમ દ્વારા સોશ્યલ મીડિયામાં ગ્રૂપ બનાવીને તમામ રીડર્સ સાથે સતત સંપર્ક રાખવામાં આવે છે. ઉપરાંત આ ગ્રુપમાં રીડર્સને વિવિધ માહિતીઓ પણ પુરી પાડવામાં આવે છે. આ યુવાનોની વાતો જાણવા માટે તેમની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.