કલેકટર અને એસપી સહિતના અધિકારીઓએ દોડી જઈને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની ખાતરી આપતા ૧૧ વાગ્યા બાદ મતદાન શરૂ થયુ મોરબી : મોરબીના અમરેલી ગામમાં લોકોએ આજે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ અંગે જાણ થતા કલેકટર અને એસપી સહિતના અધિકારીઓએ અમરેલી દોડી જઈને ગ્રામજનોને સમજાવ્યા હતા. સાથે વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. મોરબી તાલુકાના અમરેલી ગામને અગાઉ નગરપાલિકામા સમાવવામાં આવ્યું હતું. જો કે બાદમાં તેને છૂટું કરીને ગ્રામ પંચાયતમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ વિવાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તાકીદે યોજવા છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા હતા. પરંતુ આ માંગ ન સંતોષાતા ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. જેના પગલે આજે ગામમાં સવારે ૧૧ વાગ્યા સુધી એક પણ મત પડ્યા ન હતા. આ અંગે જાણ થતાં અધિકારીઓએ ચોકી ઊઠ્યાં હતા. જિલ્લા કલેકટર માકડીયા, એસપી ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ અમરેલી ગામે દોડી ગયા હતા. તમામ અધિકારીઓએ ગ્રામજનોને સમજાવીને વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો. સવારે ૧૧ વાગ્યા બાદ મામલો થાળે પડયા મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. બાદમાં સાંજે ૬ વાગ્યા સુધી ગામમા અંદાજે ૬૨ ટકા જેટલું મતદાન થયું હતું.