મોરબી : ગણતરીના કલાકોમાં લોકશાહીનું મહા પર્વ ઉજવાવવા જઈ રહ્યું છે ત્યારે વિવિધ સંસ્થાઓ, મંડળો, સરકારી તંત્ર સહિત લોકશાહીમાં અડગ વિશ્વાસ ધરાવનાર દરેકે દરેક વ્યક્તિ અવશ્ય મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે ત્યારે મોરબીના કુબેરનાથ મંદિરના ગુલાબગીરી મહારાજે પણ મતદારોને કોઈપણ સંજોગોમાં મતદાન કરવાની ભાવુક અપીલ કરી છે. મોરબીના કુબેરનાથ રોડ, ગ્રીનચોંક પાસે આવેલા ઐતિહાસિક કુબેરનાથ મંદિરના મહંત ગુલાબગીરી મહારાજે મોરબી અપડેટ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં દાનનું વિશેષ મહત્વ છે. દરેક પ્રકારના દાન જેમકે વિદ્યાદાન, વસ્ત્રદાન, અન્નદાન, મુદ્રાદાન, કન્યાદાન સહિતના દાન વ્યક્તિ પોતાની અનુકૂળતા કે રીત રિવાજો પ્રમાણે કરી શકે છે. પરંતુ 'મતદાન' એ એક એવું દાન છે જે માત્ર પાંચ વરસે જ કરી શકાય છે. વિશ્વની સહુથી મોટી એવી ભારતની લોકશાહી વ્યવસ્થામાં આપણને આ દાન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય છે ત્યારે દરેકે દરેક મતદાતાઓએ આ અવસર ચૂકવો જોઈએ નહીં. લોકશાહી વ્યવસ્થામાં આપણને આપણો શાસક ચુંટવાની અમૂલ્ય તક મળે છે. આપણું હિત જેના હૈયે વસેલું હોય એવો શાસક નિમવાનો આપણો અબાધિત અધિકાર છે. જે અધિકાર આપણે પાંચ વરસે એક વાર ભોગવવો જ જોઈએ. ભારતવર્ષ જ્યારે ૨૧મી સદીનું આ મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે એ પર્વમાં સહુએ દિલથી સામેલ થવું જોઈએ. સમજી વિચારીને યોગ્ય ઉમેદવારને આપણા ઉપર શાસન કરવા માટે નિયુક્ત કરવાનો આ ઉત્સવ છે. મારી અપીલ છે કે દાન-પુણ્ય પછી આપશો તો ચાલશે પણ યોગ્ય ઉમ્મદવારને 'મત' રૂપી 'દાન' એવું 'મતદાન' ચોક્કસ આપજો જ. ઉલ્લેખનીય છે કે કુબેરનાથ મંદિર ૪૦૦ વર્ષ પૌરાણિક મંદિર છે. આખા સૌરાષ્ટ્રમાં ૧૬ સ્તંભની યજ્ઞશાળા માત્ર બે સ્થળોએ જ આવેલી છે. જેમાં એક ૧૬ સ્તંભની યજ્ઞશાળા જામનગર ખાતે જ્યારે બીજી મોરબીના આ કુબેરનાથ મંદિર ખાતે આવેલી છે. મોરબીવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન આવા મંદિરના મહંત ગુલાબગીરી મહારાજે 'મતદાન'ની પવિત્ર ફરજ નિભાવવાનું મોરબી જિલ્લાવાસીઓને આહવાન કર્યું છે.