સ્વ. મિત તથા સ્વ. હર્ષની સ્મૃતિમાં યુવાનોએ હાથ ધર્યું પ્રેરણાદાયી કાર્ય મોરબી: મોરબીના યુવાનોએ આજે તેમના બે સદગત મિત્રોને શ્રદ્ધાંજલિ અર્પવા પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું. કુલ ૨ હજારથી વધુ લોકોએ આ વિતરણનો લાભ લીધો હતો. આ સેવાકાર્યમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ જોડાયા હતા. મોરબી નિવાસી મિત મેરજા તથા હર્ષ પરમાર નામના બે આશાસ્પદ યુવાનોનું અણધાર્યું અવસાન થયું હતું. તેમના અવસાનથી તેમના પરિવાર અને મિત્રવર્ગને આંચકો લાગ્યો હતો. તેમના આત્માને શાંતિ આપવા માટે તેમના મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું પ્રેરણાદાયી તથા માનવતાલક્ષી કાર્ય કરવામાં આવ્યું હતું. આજે શનાળા રોડ પર સરદાર બાગ પાસે આવેલ ઓમ શાંતિ સ્કૂલના ગ્રાઉન્ડમા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. કુલ ૨૦૦૦ થી વધુ લોકોએ આ વિતરણનો લાભ લઈને પક્ષીઓ માટેના પાણીના કુંડા મેળવ્યા હતા.