મોરબી : સામાન્ય રીતે બાળકોના જન્મદિવસની ઉજવણી લોકો પરિવાર તેમજ મિત્રો અને સગા સબંધીઓની ઉપસ્થિતિમાં કરતા હોય છે. નાના બાળકોના જન્મદિવસની ઉજવણીમાં ડેકોરેશન તેમજ ખાણી-પીણીમાં મન મૂકીને ખર્ચ કરતા હોય છે ત્યારે જેમનો જન્મદિવસ ઉજવાતો હોય એ બાળકને મળતી ગિફ્ટ કે ચોકલેટ આઈસ્ક્રીમ અને કેક સિવાય બીજો કશો ખાસ ઉમંગ હોતો નથી. કારણકે બાળકની ઉંમર બીજું કશું સમજવા માટે પરિપક્વ હોતી નથી. પણ જો કુમળી વયથી જ બાળકોમાં અમુક સંસ્કારનું સિંચન કરવામાં આવે તો આગળ જતાં એ બાળક દેશ અને સમાજની સમરસતામાં પોતાનું અનન્ય યોગદાન આપી શકે છે. મોરબીના જીવાણી પરિવારના નિરજભાઇ જીવાણીએ પોતાના પુત્ર નિરના પહેલા જન્મદિવસથી જ એક પ્રથા પાડી છે. જે પ્રમાણે પુત્ર નિરના 30મી માર્ચે આવતા જન્મદિવસ નિમિતે નીર સહિત પૂરો પરિવાર પોતાના ઘરની આસપાસ રહેતા સામાન્ય તેમજ નિમ્ન મધ્યમવર્ગીય બાળકો સાથે વિશિષ્ટ રીતે ઉજવે છે. આ વર્ષે 30મી માર્ચે નિરનો ત્રીજો જન્મદિવસ પણ સહપરિવારે આ રીતે ઉજવ્યો હતો. સાધારણ પરિવારના બાળકોને નાસ્તો કરાવીને તેમની સાથે હસી ખુશીથી ઉજવવવામાં આવતા આ અવસરની અન્ય લોકોએ પ્રસંશા કરી છે. દરેક પરિવાર પોતાના ભૂલકાઓનો જન્મદિવસ આ રીતે ઉજવે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. આવા પ્રસંશનીય પ્રયાસમાંથી પ્રેરણા લેવા જેવી ખરી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en