વાંકાનેર : શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા માયાબેન રસિકભાઈ વિંઝવાડીયાએ વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પાડોશી મહેશભાઈ રવજીભાઈ દેગામા દારૂ પીને પોતાના ઘર પાસે ગાળો બોલતો હોય ત્યારે માયાબેનના સાસુએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલ મહેશ દ્વારા તેમના સાસુ પર ધોકા-પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડતા પોતે અને તેમના દીકરા વચ્ચે પડતાં આરોપી દ્વારા તેમના પર પણ ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે વાંકાનેર શહેર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આઈ.પી.સી કલમ 323, 504, 510 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી પણ હાથ ધરેલ. તે દરમિયાન ફરિયાદી માયાબેનના પતિ રસિકભાઈ નરશીભાઈ વિજવાડિયા આ બનાવને લઇ ચિંતામાં રહેતા હતા. ગત મધરાત્રીના તેમને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર વિસ્તારમાં દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે. દારૂ પીને છાટકા બનેલા લોકોને કાયદાનું ભાન કરાવવું અતિ આવશ્યક હોવાની સાથોસાથ દારૂ વેચાણ કરતા ઈસમોને રોકવા જરૂરી છે. વાંકાનેરમાં મિલ પ્લોટ, વીસીપરા, નવાપરા, સીટી સ્ટેશન રોડ, કુંભારપરા, આંબેડકર નગર, જીનપરા, ચંદ્રપુર, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે, ગાયત્રીનગર, રાતીદેવડી જેવા વિસ્તારોમાં પાણીની જેમ દેશી દારૂ મળી રહ્યો છે. મોટા ભાગના ઝઘડા તેમજ અન્ય ગુન્હાના મૂળમાં છૂટથી મળતા દારૂની બદી જ જવાબદાર હોવાનું અનેકોનેક વખત સ્પષ્ટ થયું છે ત્યારે પોલીસ તંત્ર બુટલેગરો ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લ્યે તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.