રંગપરના સરપંચ અને પંચમુખી હનુમાન મંદિર ટ્રસ્ટના અથાક પ્રયાસો સાકાર થયા મોરબી : મોરબીના ઘુટું રોડ આવેલી સોસાયટીમાં વર્ષ 2016માં પતિનું વીજળી પડતા અકસ્માતે મોત થયા બાદ તેમના વિધવા પત્નીને આ કેસમાં યોગ્ય વળતર મળે તે માટે રંગપર ગામના સરપંચ અને પંચમુખી ટ્રસ્ટએ અથાક પ્રયાસો કર્યા હતા અને આખરે તેમના પ્રયાસોને સાકાર થયા હતા.હતભાગીના વિધવા પત્નીને સરકાર તરફથી રૂ.4 લાખની સહાય આપવામાં આવી છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ઘુંટું રોડ પર આવેલ સિલ્વર સોસાયટીમાં રહેતા ખેતસિંહ સોઢાનું વર્ષ 2016માં ચોમાસા દરમ્યાન વીજળી પડતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ઘરના આધારસ્તભના અકાળે અવસાનથી તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો.દરમ્યાન સામાકાંઠાના પંચમુખી હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રહલાદસિંહ ઝાલા જુના ઘુટુ રોડ પર તે સમયે રાજપૂત સમાજના વિધવા બહેનોને કીટ વિતરણ કરવા ગયા હતા.તે વખતે તેમને આ બનાવની જાણ થઈ હતી.બાદમાં તેમણે તથા આ ટ્રસ્ટના અન્ય અગ્રણી નિવૃત મામલતદાર સોલંકીએ હતભાગીના વિધવા પત્નીને જીવનનિર્વાહ માટે સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે ભારે પ્રયાસો કર્યા હતા.પરંતુ તેમના પ્રયાસોને સફળતા મળી ન હતી.આથી રંગપર ગામના સરપંચ અને તત્કાલીન રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાને આ કેસ સોંપ્યો હતો.ત્યાર બાદ તેમણે અંગત રસ લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરી હતી અને આખરે તેમના પ્રયાસો ફળ્યા હતા.સરકાર તરફથી હતભાગીના પરિવાર માટે રૂ.4 લાખની સહાયની મજુરી આપી હતી.અને આજે હતભાગીના વિધવા પત્ની ગીતાબા સોઢાને ટી.ડી.ઓ.ગોહેલના હસ્તે રૂ.4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.