દેત્રોજા અને કુંડારીયા પરિવારની સમાજને પ્રેરણાદાયી પહેલ મોરબી : મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજવામાં આવ્યા છે. જેમાં નવદંપતિએ સગાઈના દિવસે જ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવીને દેત્રોજા અને કુંડારીયા પરિવારે સમાજને પ્રેરણાદાયી પહેલ કરી છે. મોરબી નિવાસી અનસોયાબેન તથા બાબુભાઇ ભીમજીભાઈ કુંડરિયાની સુપુત્રી વૈશાલીના લગ્ન વિજયાબેન તથા પ્રભુલાલ કરમણભાઈ દેત્રોજાના સુપુત્ર યોગેશ સાથે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જેની આજ રોજ નસીતપર ગામે શાંતિબાની વાડીમાં સગાઈ વિધિ કરવામાં આવી હતી. પરંતુ સગાઈના દિવસે જ બન્ને પરિવારોએ જાગૃતતા બતાવીને પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને બન્ને પરિવારના સભ્યોએ હર્ષભેર સ્વીકાર્યો હતો. બાદમાં નવદંપતિએ સગાઈના દિવસે જ અગ્નિની સાક્ષીમાં ફેરા ફરીને પ્રભુતામાં પગલા માંડ્યા હતા. મોરબી પંથકમાં હજુ પણ ઘડિયા લગ્નનો સીલસીલો યથાવત છે. સુખી સંપન્ન લોકો પણ નાણા તેમજ અતિ મહત્વ ધરાવતા સમયના વ્યયને થતા બચાવવા માટે પોતાના સંતાનોના સાદાઈથી ઘડિયા લગ્ન કરાવીને સમાજને ઘડિયા લગ્ન તરફ વળવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે. હાલ લોકો જાગૃત થતા દિન પ્રતિદિન પંથકમાં ઘડિયા લગ્નનુ પ્રમાણ વધી રહ્યું છે.