યુવતી અને તેની માતાને મરાયો મુંઢમાર : આરોપીઓ પિતા અને તેના ત્રણ પુત્રો ફરાર વાંકાનેર : વાંકાનેરમાં થોડા સમય પહેલા પ્રેમ પ્રકરણમાં એક યુવતીની હત્યા કરવામાં આવેલ અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવેલ જેની હજી શાહી સુકાઇ નથી ત્યાં ગતરાત્રીના એક પ્રેમ પ્રકરણમાં વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર કારખાના પાસે એક ખૂની ખેલ ખેલાયો જેમાં યુવતીના પિતાની હત્યા કરવામાં આવેલ અને યુવતી તેમજ તેની માતાને મુંઢમાર મારવામાં આવેલ. આરોપીઓમાં એક પિતા તેમજ તેમના ત્રણ પુત્રોએ મળી આ ખૂની ખેલને અંજામ આપી ફરાર થઇ ગયેલ છે જેને ઝડપી પાડવા માટે વાંકાનેર તાલુકા પી.એસ.આઇ એસ.એ. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ ફરિયાદી પુરીબેન અરજણભાઈ સાડમીયા જાતે દેવીપુજક હાલ રહે સરતાનપર રોડ મૂળ ગામ છાસીયા તાલુકો જસદણ વાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ ૧. રામજી જોરુભાઈ માથાસુરીયા ૨. ભીખા જોરુભાઈ માથાસુરીયા ૩. દેવા જોરુભાઈ માથાસુરીયા ૪. જોરુભાઈ જેરામભાઈ માથાસુરીયા રહે બધા કમાન્ડર કારખાના પાસે સરતાનપર વાંકાનેર મૂળ ગામ મદારગઢ તાલુકો સાયલા વાળાએ ફરિયાદીના પતિ અરજણભાઈને આ કામના આરોપીઓ સાથે ફરિયાદીની દીકરી મંજુને આરોપી રામજીના ઘરમાં બેસાડવાની વાત કરતાં ફરિયાદીના પતિએ ના પાડી ઠપકો આપતાં આ કામના આરોપીઓએ ગાળો આપી બાજુના ભંગારના ઢગલા માંથી હથિયારો લઇ આ કામના આરોપી નંબર ૧ના એ ફરિયાદીના પતિ મરણજનાર અરજણભાઈને માથાના ભાગે તેમજ પગના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી તેમજ આરોપી નંબર ૨. ના એ ફરિયાદી ની દીકરી સાહેદ મંજુબેનને ડાબા હાથે લોખંડનો સળિયો મારી તેમજ આરોપી નંબર ૩ ના એ ડાબા પગમાં લાકડાનું બડીકુ મારી તેમજ આરોપી નંબર ૪ ના એ ફરિયાદીને જમણા પગમાં લાકડી વડે માર મારવામાં આવેલ. આમ બધા આરોપીઓ મળી એકબીજાને મદદગારી કરી ફરિયાદી તેમજ સાહેદને મુઢમાર ઇજા કરી આ કામમાં મરણ જનાર ને માથાના ભાગે ગંભીર ઇજા કરી હત્યા કરવામાં આવેલ જે બાબત ની ફરિયાદ મળતા વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. એસ. એ. ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યા છે