માતૃભાષા ગૌરવ યાત્રા ઉપરાંત અન્ય વિવિધ કાર્યકમો યોજાયા મોરબી : શ્રી સરસ્વતિ શિશુમંદિર શક્ત શનાળા ખાતે માતૃભાષા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શાળા મોરબીના શિક્ષણ જગતમાં આગવું સ્થાન ધરાવે છે. બાળકના સર્વાંગી અને સમગ્રતઃ વિકાસ કરવાની આગવી શિક્ષણ પદ્ધતીને લઈને મોરબીનું આ શિશુમંદિર શિક્ષણ જગતમાં નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે. શિક્ષણમાં અવનવા પ્રયોગો અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણથી અહીં બાળકોનો નૈસર્ગિક વિકાસ થઈ રહ્યો છે. માતૃભાષાના પાયા પર બાળકનું ભાવ જગત વિકસાવવાનો પ્રયત્ન થઈ છે. ૨૧ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવે છે. શ્રી સરસ્વતી શિશુમંદિર, શકત શનાળા દ્વારા આ દિવસે માતૃભાષા દિનની ઉજવણીના ભાગ રૂપે 'માતૃભાષા ગૌરવ યાત્રા' તથા મોરબી શહેરમાં જુદી જુદી જગ્યાએ 'શેરી નાટક' દ્વારા માતૃભાષા પ્રત્યે સમાજ જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ ગૌરવ યાત્રામાં વિદ્યાલયના વાહન સારથિ ભાઈઓ (ડ્રાયવરો) પોતાના વાહન સાથે જોડાયા હતા જે આકર્ષણના કેન્દ્ર માં રહ્યા હતા. સહુથી આગળ ભવ્ય રીતે શણગારેલા રથમાં માં સરસ્વતીની મુર્તિ બિરાજમાન હતી. યાત્રામાં જોડાયેલા અન્ય વાહનોમાં માતૃભાષાના બેનરો, સાહિત્યકારોના તૈલચિત્રો તથા માતૃભાષાનું મહત્વ દર્શાવતા વાક્યો હતા. આ યાત્રા શકત શનાળાથી નીકળીને સંપૂર્ણ મોરબી શહેરમાં ફરી હતી. જેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો તથા સમાજના વિવિધ સંગઠનો જોડાયા હતા. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારત વિકાસ પરિષદ, પુસ્તક પરબ, આરોગ્ય ભારતી, રાજકોટ નાગરિક બેન્ક, મોરબી સેલ્ફફાઇનાન્સ સ્કૂલ મંડળ જેવા વિવિધ સંગઠનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારીગણ તથા જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ દ્વારા પુષ્પવૃષ્ટિ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. માતૃભાષા દિન નિમિત્તે રાત્રે મોરબીમાં બોનીપાર્ક, અંજની સોસાયટી તથા અવધ સોસાયટીમાં શિશુમંદિરના બાળકો દ્વારા માતૃભાષા ગૌરવના વિચારો સાથે શેરી નાટક રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. આ તકે વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, નિયામક સુનિલભાઈ પરમાર, આચાર્ય વિષ્ણુકુમાર વિડજા, વ્યવસ્થાપક વિજયભાઈ ગઢીયા, દીપકભાઈ વડાલીયા, પ્રધાનાચાર્ય વિજયભાઈ ભલગામા તથા સંપૂર્ણ વિદ્યાલયના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en