પાંચ દિવસથી ચાલતી હડતાલથી સફાઈના કામોમાં માઠી અસર : ઠેર ઠેર ઉકરડાના ગંજ ખડકાયા મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે અને આ હડતાલ દરમ્યાન આજે રોજમદાર સફાઈ કામદારોએ પોતીની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે છેલ્લા પાંચ દિવસથી ચાલતી આ હડતાલને કારણે શહેરમાં ઠેર ઠેર ઉકરડાના ગંજ ખડકાયા છે. મોરબી નગરપાલિકામાં સરકારના 11 માસના કરાર આધારિત સફાઈના 220 જેટલા કામદારો કાયમી કરવાની તથા વેતન વધારાની માંગ સાથે ગત તા.18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ પર ઉતરેલા આ સફાઈ કામદારોની પાલિકા તંત્ર સાથેની વાટાઘાટ નિષ્ફળ જતા આ હડતાલ યથાવત રહી છે. દરમ્યાન આજે સવારે રોજમદાર સફાઈ કામદારોએ પાલિકા કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર અને તંત્ર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જૉકે પાલિકાના 140 જેટલા કાયમી સફાઈના કર્મચારીઓ ફરજ પર છે અને તેમના શિરે આખા શહેરની સફાઈની જવાબદારી આવી પડી છે.આટલો ઓછો સ્ટાફ અને ઉપરથી આખા શહેરની સફાઈની જવાબદારી હોય તેથી કામનું વધુ પ્રેશર રહેતું હોવાથી સફાઈના કામો ઠપ્પ થઈ ગયા છે. મુખ્યમાર્ગોની જ સફાઈ થતી હોવાથી અંદરના વિસ્તારોમાં ઉકરડાના ગંજ ખડકાયા છે.આ અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે, અત્યારે સફાઈના મશીનો અને કાયમી કર્મચારીઓ દ્વારા સફાઈ થઈ રહી છે અને નિયમિત મુખ્યમાર્ગોની સફાઈ થાય છે.રોજમદાર સફાઈ કામદારોની હડતાલ ટૂક સમયમાં સમેટી લેવાય તે માટે પ્રયાસો ચાલુ છે.