(નીરવ માનસેતા દ્વારા) 'ગુમાઇ છે, ગુમાઇ છે, ગુમાઇ છે. કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાં સંચાલકોના વાલીઓના સંગમાં આધુનિકતાની ઘરેડમાં ને દેખાદેખીની પરેડમાં પશ્ચિમી રંગમાં ને વિદેશી ઢંગમાં માણસના વર્તનમાં ને સંસ્કાર પરિવર્તનમાં ભાળ મળે તો કો'ક સંભાળજો ભાષા અમારી ગુજરાતી આજે ગુમાઇ છે, ગુમાઇ છે, ગુમાઇ છે.' આખા વિશ્વમાં કદાચ આપણો દેશ જ એવો હશે કે જ્યાં બે-ત્રણ વર્ષના બાળકોના વાલીઓ સૌથી વધુ ગુંચવાતા હશે કે પોતાના બાળકને ક્યા માધ્યમમાં ભણવા બેસાડવું. ગુજરાતી કે અંગ્રેજી? આ મુદ્દાને લઈને ઘરમાં દિવસોના દિવસો સુધી ચર્ચાઓ ચાલે, વાદ-વિવાદ થાય, મત-મતાંતર પ્રવર્તે ને ઘણી જગ્યાએ તો ઘમાસાણ થતું પણ જોવા મળે. આ બાબત પર ઘણી બધી મગજમારી, ઘણાં બધા વિચાર વિમર્શ કર્યા પછી અંતે વાલી (જો કે આમાં મમ્મીઓનું જ વધારે ચાલે હોં) નક્કી કરે કે બાજુ વાળા સાવિત્રીબેને તેમની બેબી રુબીને ફલાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં બેસાડી એટલે આપણે પણ આપણી બેબી કે બાબાને તેમાં જ ધકેલવા. 'સમય સાથે વર્તવુ પડે!' બાળકોના શિક્ષણ માટેનું અંગ્રેજી માધ્યમ પસંદ કરનાર મોટાભાગના વાલીઓ પાસેથી આવો અતાર્કિક જવાબ જ મળે છે. શિક્ષણ માટેનું માધ્યમ પસંદ કરવાની પ્રક્રિયાએ વાલીઓ માટે સોઈમાં દોરો પરોવવા જેવી પેચીદી પ્રક્રિયા છે. જે લોકો માતૃભાષાનું મહત્વ સમજે છે તેઓ પોતાના બાળકોને ગુજરાતી શાળામાં જ બેસાડે છે. પણ દેખાદેખી, ઘેલછા, આંધળુ અનુકરણ કે પોતાના સ્ટેટસની ચિંતા વાલીઓને અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષે છે.વાલીઓના સ્ટેટસની આ ચિંતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ચિતા બની જાય છે. ગુજરાતી તરછોડીને બાળકને અંગ્રેજીમાં ભણાવવું એ 'માતાનું ધાવણ' છોડીને 'પાવડર વાળુ દૂધ' પિવડાવવા સમાન છે. ધીમે ધીમે આપણે આપણી માતૃભાષા પ્રત્યે લઘુતાગ્રંથી અનુભવવા લાગ્યા હોય એવું નથી લાગતુ તમને? હકીકતમાં તો શિક્ષણનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી આ પ્રશ્ન જ અનુચિત છે. શિક્ષણનું માધ્યમ હંમેશા માતૃભાષા જ હોવું જોઈએ. જાપાન, જર્મની,રશિયા,ફ્રાન્સ જેવા વિજ્ઞાન અને ટેક્નોલોજીના માંધાતા દેશોમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવામાં આવે છે. ભાષાએ અભિવ્યક્તિનું સાધન માત્ર છે. કોઈપણ ભાષા ક્યારેય ભણવાની ન હોય, એ તો આપોઆપ આવડી જાય.માત્ર સ્પોકન ઈંગ્લિશના ક્લાસીસ કરીને સંપૂર્ણ અંગ્રેજી બોલતા આવડી ગયુ હોય એવો એક પણ દાખલો મેં હજી સુધી નથી જોયો. પણ આપણે શું કરીએ છીએ? આપણા બાળકોને પેઢીઓ જૂની, આપણા લોહિમાં ભળેલી આપણી ગુજરાતી ભાષાથી અળગા કરી રહ્યા છીએ. ગુજરાતી આપણી 'મા' છે. બાળકને અંગ્રેજીમાં ભણાવવું એટલે તેને પોતાની 'મા'થી છૂટું પાડવું. 'twinkle twinkle' કે 'rain rain go away' પટ પટ પોપટની જેમ બોલતા બાળકોને સાંભળીને એના મા-બાપના કાન ચમકે છે ને હૈયુ હરખે છે. લગ્ન પ્રસંગોમાં મુખ્યત્વે આવા બાળકોને પ્રદર્શનનું સાધન બનતા આપણે જોયેલા છે. 'બેટા ! ચલ આંટીને Jhony Jhony સંભળાવી દે તો.' બાળક ન બોલે તો ચોકલેટની રિશ્વત આપી પરાણે બોલાવવામાં આવે છે. ચોકલેટની લાલચે બાળક બિચારું ચાવી ચડાવેલા રમકડાંની જેમ ગોખેલી બધી Rhymes સંભળાવી નાખે છે ને પછી ચોકલેટ પણ મળતી નથી. પેલુ શું કહે...! 'મોરલ વેલ્યૂસ' હા એ જ. નૈતિક મૂલ્યોના ચીંથરા ઉડવાની શરૂઆત બાળપણથી જ થઈ જાય છે. નાનપણથી જ બાળકની સર્જનાત્મકતા, સહજતા અને મૌલિકતા ખતમ કરી નાખવામાં આવે છે. અંગ્રેજી માધ્યમની શાળા-ટ્યૂશનની તગડી ફી ભરી શકવા સક્ષમ બનેલ વાલી એ ભૂલી જાય છે કે પોતે ગુજરાતી માધ્યમમાં ભણીને જ જીવનમાં સફળ બનેલ છે. યાદ રહે, વિરોધ ભાષાનો નથી ફક્ત માધ્યમનો છે. દરેક વ્યક્તિએ એક કરતાં વધુ ભાષા શિખવી જ જોઈએ. પણ સૌથી પહેલા માતૃભાષા શિખવી જોઈએ. અંગ્રેજી ભાષા સામે કોઇ વાંધો નથી. અંગ્રેજી સર્વગ્રાહ્ય બની છે મતલબ એ ભાષાની કઈંક વિશેષતા ચોક્કસ હશે અને છે જ. પરંતુ માતૃભાષાના ભોગે અને માતૃભાષાની તોલે અન્ય કોઈ ભાષા કદી ન આવવી જોઈએ. શિક્ષણ એ જ ભાષામાં હોવું જોઈએ જેમાં માણસ સ્વતંત્રપણે વિચારી શકે. એક સરસ વાક્ય વાંચવામાં આવેલું કે ' તમે ગમે તેટલું અંગ્રેજી શિખી લો, તમને સપના તો ગુજરાતીમાં જ આવશે.' જરા વિચારો અંગ્રેજીમાં ભણનાર બાળક કેટલો માનસિક સંઘર્ષ કરતું હશે ! ભણવાનું અંગ્રેજી, શાળામાં હિંદી બોલવાનું, ઘરે આવીને આખો દિવસ ગુજરાતી અને ન આવડે એટલે સજા. કાયદેસર કેમિકલ લોચા થાય હોં બિચારા બાળકના મગજમાં. શિક્ષણક્ષેત્રે છેલ્લા પાંચેક વર્ષના મારા શૈક્ષણિક અનુભવોમાં મેં એવા અનેક વિદ્યાર્થીઓ જોયા છે જેમને બીજાથી આઠમાં ધોરણ સુધીમાં અંગ્રેજીમાંથી ઉઠાડીને ગુજરાતીમાં લેવા પડ્યા હોય. માધ્યમ ફેરબદલી કરનારા એવા અનેક વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી ગુજરાતીની તાલીમ આપીને તૈયાર કર્યા છે. આ દરમિયાન બાળકના અભ્યાસથી માંડી વર્તન સુદ્ધામાં ફેરફાર થતાં જોયેલા છે. હું એવું નથી કે'તો અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ ન જ આપવું. મેં પણ અંગ્રેજી માધ્યમમાં અધ્યાપન કરાવેલ છે. અભ્યાસ માટે કોઈપણ માધ્યમ પસંદ કરો પણ માતૃભાષા બાળકને સૌથી પહેલા શિખવો. એના ભોગે બાળકોને અન્ય માધ્યમમાં શિક્ષણ ન જ આપવું. જો તમે છેક સુધી તમારા બાળકને અભ્યાસમાં મદદ કરી શકો, તગડી ફી ભરી શકો એટલા સક્ષમ હોવ અને જો તમારા ઘરમાં ચોવીસ કલાક અંગ્રેજી બોલાતું હોય તો ચોક્કસ તમારે તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું જોખમ લેવું જોઈએ. જગતભરના તમામ શિક્ષણ તજજ્ઞોએ હંમેશાથી માતૃભાષામાં અભ્યાસની જ તરફેણ કરી છે. ઈ.સ. 2000માં ડકાર (સેનેગલ) ખાતે જાગતિક શૈક્ષણિક મંચ વતી વિશ્વના શ્રેષ્ઠ 25 શિક્ષણશાસ્ત્રીઓની બેઠક યુનેસ્કોના તત્કાલિન સંચાલક ડો. શેલડન શેફરની અધ્યક્ષતામાં થયેલી ત્યારે યુનેસ્કોએ આ મુજબનો નિષ્કર્ષ કાઢેલો... - પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ, બને તો પછીનું શિક્ષણ પણ તે જ ભાષામાં થવું. - પ્રત્યેક બાળકના શ્રવણ,કથન,વાચન,લેખન જેવા કૌશલ્યો માતૃભાષામાં આત્મસાત થાય તો પછી બાળક અન્ય ભાષા ખુબ ઝડપથી શિખી શકે છે. - પરકીય ભાષામાં ગોખણપટ્ટીનો ભય વધારે રહે છે જેથી બાળકના અભ્યાસમાં વિક્ષેપ પડે છે ઉપરાંત પરકીય ભાષામાં અભ્યાસ કરવાથી બાળક પ્રાંતીય ભાષા,સંસ્કૃતિ તેમજ સંસ્કારોથી વિમુખ થતું જાય છે. આ...