પાલિકાની રોડ રસ્તાની અને સફાઈની કામગીરીથી પ્રજા અસંતુષ્ટ : સમાજિક કાર્યકરોની કલેકટર અને ચીફ ઓફિસરને રજૂઆત મોરબી : મોરબીમાં રોડ રસ્તા પર ખાડાથી અકસ્માતનું જોખમ તોળાઇ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડા પાલિકાની બેદરકારી સાબિત કરી રહ્યા છે. ત્યારે આ મામલે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેકટર અને પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ ભોંભણીયા અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા કલેકટર બંગલો, ચિત્રકૂટ સિનેમા પાસે, નૂતન ગરબી ચોક, વાવડી રોડ, રવાપર રોડ, સરકારી હોસ્પિટલ રોડ, ગાંધી ચોક, પાડા પુલ, નગર દરવાજા ચોક વિસ્તાર અને નાસ્તા ગલીમાં ઠેક ઠેકાણે રોડ પર ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત મોરબીના સામાકાંઠે વિસ્તારમાં સો ઓરડીના પોસ્ટ ઓફીસના ખૂણા ઉપર ફાટક પાસે, આવા જાણીતા વિસ્તારમાં જ ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં મોરબીનો ધમધમતો વિસ્તાર છે. મોરબીની નગરપાલિકા જ્યારે એ ગ્રેડનો દરજ્જો ધરાવી રહી છે. ત્યારે મોરબીની નગરપાલિકા જ આવી બેદરકારીનો સામનો પ્રજાને ભોગવવો પડે છે. આવા ધમધમતા વિસ્તારમાં ઘણીવાર અકસ્માત સર્જાય છે. લોકો પર જાનનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. મોરબીને જિલ્લા બન્યાને પાંચ વર્ષ થઈ ગયા પરંતુ મોરબીની નગરપાલિકાની સફાઈ તેમજ રોડ રસ્તાની કોઈ પણ કામગીરીથી પ્રજા સંતુષ્ટ નથી. ઉપરાંત દર વખતે સરકાર તરફથી આવતી મોટી ગ્રાન્ટ કયા ચાઉ થઈ જાય છે તે પણ મોટો પ્રશ્ન છે.