કર્મચારીઓ માથા પર કાળી પટ્ટી ધારણ કરીને શહેરના રાજમાર્ગો પર ફર્યા મોરબી : મોરબીમાં આજે ઓરપેટ ગ્રૂપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં ૩ હજાર જેટલા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને શહેરમાં મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ રીતે ફર્યા હતા. કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોરબીના ઓરપેટ ગ્રૂપ દ્વારા આજે વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ૨૬૦૦ જેટલા મહિલા અને ૫૦૦ થી વધુ પુરુષ કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી સમય ગેટથી શરૂ થઈને ઉમિયા સર્કલ, રવાપર રોડ, નહેરુ ચોક અને ત્યાંથી જુના બસ સ્ટેન્ડ થઈને સમય ગેટ ખાતે પરત ફરીને વિરામ પામી હતી. આ વિશાળ રેલીમાં ઓરપેટના ગ્રૂપ ૩ હજારથી વધુ કર્મચારીઓ માથે કાળી પટ્ટી ધારણ કરીને જોડાયા હતા. આ તકે ઓરપેટ ગ્રૂપના પ્રવિણભાઈ પટેલે જણાવ્યું કે પુલવામાં થયેલા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ મૌન રેલી યોજવામાં આવી છે. વધુમાં શહીદોના પરિવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓરપેટ ગ્રૂપ દ્વારા રૂ. ૪૪ લાખની સહાય આપવામાં આવી છે. આ સાથે ઓરપેટ ગ્રૂપના કર્મચારીઓ પણ પોતાનું એક દિવસનું વેતન રૂ. ૧૫ લાખ શહીદોના પરિવારોને આપશે.