મોરબી : મોરબી શહેરમાં લગભગ દર ચોમાસા દરમિયાન મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જતા હોવાનું જગ જાહેર છે. નબળા ડામર કામને કારણે થોડા વરસાદમાં જ રસ્તાઓ બિસ્માર બની જાય છે. ત્યારે ચોમાસુ નજીક આવવાના સમયે જ કરાતી ડામર કામગીરી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપ પ્રમુખ રમેશભાઈ રબારીએ સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા કલેક્ટર તેમજ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરતા રમેશભાઈએ રસ્તા રીપેરીંગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કામકાજની નબળી ગુણવત્તા તેમજ રસ્તા રીપેર કરવાના સમયગાળાને લઈને ભ્રષ્ટચારના આક્ષેપો કર્યા છે. મોરબી નગરપાલિકાના પ્રમુખને ઉદ્દેશીને લખેલા પત્રમાં મોરબીના મુખ્ય રસ્તા જેવાકે રવાપર રોડ, શક્તિ પ્લોટ મેઈન રોડ, સુધરાઈ કચેરી પેટ્રોલપંપ સામે, ગાંધી ચોંકથી વિજય ટોકીઝ થઈ તખ્તસિંહજી રોડ સુધીના રસ્તાઓના ઉલ્લેખ સાથે આ રસ્તાઓનું ત્વરિત સમારકામ કરવા તેમજ કરેલા કામનું મોનીટરીંગ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત રસ્તાઓ દર ચોમાસાની સિઝન દરમ્યાન તૂટી જાય છે. હાલમાં પણ આ રસ્તાઓ નાના મોટા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે. પગપાળા જતા રાહદારીઓ માટે ચાલવું પણ મુશ્કેલ બને એટલી હદે મસ મોટા ખાડા પડી ગયેલા રસ્તાઓ હાલ જ રીપેર કરાવવાની માંગણી કોંગ્રેસ સમિતિના માલધારી સેલના ઉપ પ્રમુખ રમેશભાઈ રબારીએ કરી છે.