ઉવારસદ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા મોરબીના યુવાનો સેલ્ફીના ચક્કરમાં કેનાલમાં ડૂબ્યા મોરબી : ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક જાસપુર નર્મદા કેનાલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ઉવારસદ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા મોરબીના બે છાત્રો કેનાલમાં તણાયાની ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સેલ્ફી લેવા ગયેલો એક યુવક અકસ્માતે કેનાલમાં પડી જતાં તેને બચાવવા જતાં બીજો યુવક પણ પાણીના પ્રવાહ માં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને બહિયલના તરવૈયાઓની મદદથી બન્ને શોધવાની તજવીજ શરૂ કરી છે. સેલ્ફીના ચક્કરમાં અજીબો ગરીબ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. સેલ્ફીના શોખમાં યુવક - યુવતી ઓ કેનાલ અને નદીમાં જઈ ને સેલ્ફી લેતા હોય છે.પરંતુ ક્યારેક સેલ્ફીનો આ શોખ જીવલેણ પુરવાર થતો હોવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. તેમ છતાં પણ સેલ્ફી શોખીનો ફકત એક સેલ્ફી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે, આવી જ એક ઘટનામાં ગઈકાલે કલોલના જાસપુર ખાતે આવેલી કેનાલમાં પણ સેલ્ફી લેવા જતા બે યુવકો ડૂબી ગયા હતા. મૂળ મોરબીના આમરણ ગામના વતની અને હાલ ઉવારસાદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધાર્મિક કાસુન્દ્રા ( ઉવ.૨૦) અને લાલપર મોરબીના પ્રિત ભરતભાઈ આદ્રોજા ( ઉવ.૧૯) ગઈકાલે બપોરે જાસપુર કેનાલ ખાતે આવ્યા હતા. આ તકે ધાર્મિક સેલ્ફી લેવા માટે કેનાલ ની અંદર ગયો હતો.જ્યારે તે સેલ્ફી લઇ રહ્યો હતો તે વખતે અકસ્માતે પગ લપસી જતા કેનાલ ના પાણી માં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ ધાર્મિકને બચાવવા પ્રીત પણ કેનાલમાં પડ્યો હતો, જોકે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી બન્ને યુવકો તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસનો કાફલો અને ૧૦૮ સ્થળ પર આવી ગયા હતા. જોકે બન્ને યુવકો તણાઈ ગયા હતા, બન્ને શોધવા બહિયલના તરવૈયાઓની મદદ લેવામાં આવી છે, મોડી સાંજ સુધી બન્નેની કોઈ ભાળ મળી નહોતી. પાણી નો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી બન્ને તણાઈ ને કડી બાજુ જતા રહી હોવાનું પણ અનુમાન છે. ત્યારે આ ઘટનાથી યુવકોના પરિવાર જનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.