રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સિરામીક ઉદ્યોગની જાણે માઠી બેઠી હોય તેમ એક પછી એક એજન્સીઓ દ્વારા તવાઈ ઉતારવામાં આવી રહી છે, ઇન્કમટેક્સ, એસજીએસટી, સી જીએસટી બાદ હવે મોરબીના સિરામિક એક્સપોર્ટરને ત્યાં આઈ જીએસટી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાણવા મળ્યા મુજબ મોરબીના સિરામિક એક્સપોર્ટરોને ત્યાં ગઈકાલે મોડીરાત્રી સુધી IGST દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો હતો અને આ તપાસમાં રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામની ટીમો જોડાઈ હતી, ખાસ કરીને સિરામિક આઇટમો એક્સપોર્ટ કરવામાં આઈજીએસટી યોગ્ય રીતે ચૂકવાઈ છે કે કેમ તે સહિતની બાબતોને લઈ જુદી જુદી પેઢીઓમાં તપાસનો ધમધમાટ ચાલુ રહેતા એક્સપોર્ટર અને સિરામિક ઉદ્યોગમાં રોષ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.