બપોરથી મોટાગજાની ફેકટરીમાં ઇન્કમટેક્સ વિભાગે ધામા નાખતા અનેક તર્ક વિતર્ક મોરબી : માર્ચ મહિનો નજીક આવતા જ ઇન્કમટેક્સ વિભાગ ટાર્ગેટ પુરા કરવા મોટાપાયે સર્ચ - સર્વે ચાલુ કર્યા છે જેમાં આજે હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ આસ્થા સ્પીનિંગ મિલને ઝપટે લેતા ચકચાર જાગી છે. ઇન્કમટેક્સ વિભાગના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આજે બપોરથી સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદા - જુદા વ્યવસાય સાથે સંકળાયેલ પેઢીઓ કંપનીઓમાં મોટાપાયે સર્ચ સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેમાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ આસ્થા સ્પીનિંગ મિલનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ દ્વારા જે - જે આસામીઓ રેગ્યુલર ઇન્કમટેક્સ નથી ચૂકવતા તેવી પેઢીઓ અને કંપનીઓમાં આ સર્ચ - સર્વે ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હળવદમાં મોટાગજાની ગણાતી આસ્થા સ્પીનિંગમાં સર્ચ સર્વેની કાર્યવાહી થતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.