- text
અધિકારીઓએ રણકાંઠાના ચેર ફોરેસ્ટના નવા સેટલમેન્ટમા પર્યાવરણ હિતને નેવે મૂકી મીઠાના ઉદ્યોગ માટે લાલજાજમ પાથર્યુ : આરટીઆઈમાં સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ
માળિયા : માળીયાના રણકાંઠાની આસપાસ કચ્છના નાનારણમાં ઘુડખર અભ્યારણ્યની ૩૫ હજારથી વધુ એકર જમીન આવેલી છે જે જમીન પૈકીની રણકાંઠા પાસે ૭૭૭૦ હેકટર જમીન ધરાવતા ચેર ફોરેસ્ટની જમીન આવેલી છે આ જમીન પર ચેર ફોરેસ્ટને પડતુ મુકીને મીઠા ઉધોગનું મસમોટુ કૌભાંડ ધખધખતુ હોય તેમ ચેર ફોરેસ્ટની જમીન માપણીમાં ગોલમાલ કરી રફેદફે કરવાની આરટીઆઈમાં વિગતો ખુલવા પામી છે.
આ મામલે આરટીઆઈ એક્ટીવીસ્ટ હરેશકુમાર બાલાસરાએ જણાવ્યું હતું ૨૧/૧૧/૧૯૫૫, અનુસાર ૧૯૦૮ના સેક્શન ૪ પ્રમાણે નવલખી પોર્ટના હદ વિસ્તારનું જાહેરનામુ બહાર પાડેલ તે મુજબ કુલ ૪૦૩૨૮ હેકટર જમીન પોર્ટ એરીયા હસ્તક જાહેર કરવામાં આવી ત્યારબાદ ૧૮૬૨ એસ એસ તા.૧૦/૭/ ૧૯૬૨થી નવલખી ચેર ફોરેસ્ટ માટે જમીન જંગલખાતાને ફાળવવામાં આવી અને તા.૬ /૧/૧૯૬૬માં નવલખી ચેર ફોરેસ્ટનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું. આ ૭૭૭૦ હેકટર જમીનને ચેર ફોરેસ્ટ તરીકે આરક્ષિત જંગલમાં મુકવામાં આવ્યુ જેનુ સેટલમેન્ટ થયુ ત્યારબાદ કોઈ જ હક દાવાઓ સમય મર્યાદામાં રજુ થયા ન હતા.
જેના ૪૫ વર્ષ બાદ કેટલાક ઉધોગપતિઓની નજર પડતા અધિકારીઓની મીલીભગતથી ઉધોગપતિઓના ઈશારે ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફીસ સાથે સેટીંગ કરી ૭૭૭૦ હેકટર જમીન પર ચેર ફોરેસ્ટનું કૌભાંડ આચરી જમીન – માપણીમાં અને માપણી ફીમાં કાળાનાણાનો ઉપયોગ કરી મોટી ગોલમાલ કરી રફેદફે કરવાની હિલચાલ સામે આવી છે. તેમજ ચેર ફોરેસ્ટના નવા સેટલમેન્ટમાં પર્યાવરણના હિતને અધિકારીઓ ઘોળીને પી જઈ મીઠાના ઉધોગપતિઓને પ્રથમ સ્થાન આપી જંગલખાતાના સરકારી બાબુઓ જબરા કૌભાંડમાં સામેલ હોય તેમ આરટીઆઈમાં ખુલવા પામ્યુ છે. તદુપરાંત અધિનિયમ મુજબ નવા સેટલમેન્ટની દિશા બદલાવી શકાય નહીં તે ઉપરાંત વિસ્તારમાં કોઈ વધઘટ થવી ન જોઈએ તેવા નિયમોનો ઉલાળીયો કરી ચતુર દિશામાં અને વિસ્તારમાં ફેરફાર જણાતા નાયબ વન સંરક્ષક રાજકોટ દ્વારા ૨૦૧૩માં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં નવા સેટલમેન્ટ સામે અપીલ કરાઈ હતી.
- text
ત્યારબાદ રાજકોટમાંથી મોરબી જિલ્લો અલગ બનતા મોરબી જિલ્લા કલેકટર દ્વારા સુનાવણી કરવામાં આવી હતી જે સુનાવણીમાં ઉધોગપતિઓની તરફેણમાં નિર્ણય આવતા નવા સેટલમેન્ટને માન્ય રાખી લીલીઝંડી અપાઈ હતી આમ આ સુનાવણીમાં ભારતીય વન અધિનિયમને અવગણી માત્ર પૈસા બોલતા હૈ ના સુત્રને માન આપી ઉધોગપતિઓના ઈશારે હુકમ થતા જમીન માપણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ આ જમીન માપણીમાં કોર્ટ મેટર બન્યા પહેલા જ જમીન માપણી એક ખાનગી માણસના નામે કરાવી જેના નામે હાલ હજારો એકર જમીન ધડાધડ મંજુર – કરાવી અધિકારીઓને મુઠ્ઠીમાં રાખતી એક કચ્છની કંપનીનું નામ ખુલ્યુ છે. આ ચેર ફોરેસ્ટની હદ તો ત્યારે થઈ કે પાર્ટી દ્વારા પોતાના કાળા નાણા માપણી ફીના રૂ. ૨૩,૩૧,૩૦૦ જેવી માતબર રોકડ રકમ નાયબ વન સંરક્ષક મોરબીના નામે તેમની ખોટી સહી કરી મોરબી એસબીઆઈ ચલણ નંબર ૬૪ મુજબ ભરવામાં આવી હતી.
આ ચલણને ડીઆઈએલઆરએ મંજૂર કરેલ આ અંગે નાયબ વન સંરક્ષકે સવાલો ઉભા કરી રજુઆત કરતા તેવો દ્વારા આવી કોઈ રકમ ભરાયેલ નથી તેવો ઉડાવ જવાબ મળતા આ રકમ નાયબ સંરક્ષકે નથી ભરેલ તો કોને આ ચલણ ભર્યુ? માપણી અરજી કોને કરી? અને ક્યા નિયમ હેઠળ માન્ય રાખ્યું? તેવા ધખધખતા સવાલ ઉભો થતા તપાસ કરવા જણાવેલ છે છતા કલેકટર કચેરી કે જમીન દફતરી કચેરીએ કોઈ ગંભીરતા દાખવેલ નથી તેમજ નાયબ વન સંરક્ષક પણ આ મામલે અજાણ નથી પરંતુ પુરાવા રજુ થતા તેમના પગ નીચે રેલો આવતા માત્ર નર્યું નાટક કરી ખાવાના અને દેખાડવાના દાંત અલગ જેવો તાલ અહીં જોવો મળ્યો હોય તેમ દેખાવ પુરતી રજુઆત કર્યાનું ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
હજારો એકર જમીન પર મીઠાના અગરો બની ગયાનુ અને હજુ પણ અનેક નવા પ્લાન્ટ બનવાનું કામકાજ ધમધમતુ હોવા છતા રેન્જ ઓફીસરોથી માંડી ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી પોતાના ખિસ્સા ગમતા હોવાની ચર્ચા સામે આવી છે
- text