મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘની છબી ખરડાઈ : એક સાથે છ થી ૭ ટેન્કર મિલ્ક ફેડરેશને રિજેક્ટ કરતા ડેરીના હોદેદારો મૌન મોરબી : મોરબીના પ્રખ્યાત મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરી દ્વારા મિલ્ક ફેડરેશન અમૂલ ડેરીમાં મોકલવવામાં આવેલ લાખો રૂપિયાની કિંમતનું છ થી સાત ટેન્કર દૂધ રિજેક્ટ થતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે બીજી તરફ મયુર ડેરીનું દૂધ રિજેક્ટ થતા સુરસાગર ડેરી સુરેન્દ્રનગર દ્વારા પણ દરેક ડેરીના દૂધની આવક ઉપર ચોકસાઈ વધારી દીધી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરી દૂધ ઉત્પાદનમાં સારી એવી નામના ધરાવે છે અને સમગ્ર મોરબી જિલ્લામાંથી વિવિધ મંડળીઓ દ્વારા દૂધ એકત્રિત કરી મિલ્ક ફેડરેશન મારફતે અમૂલ ડેરી આણંદમાં દૈનિક લાખો લીટર દૂધ મોકલે છે જેમાં આજે મોકલવામાં આવેલ દૂધ પૈકી છ થી સાત ટેન્કર દૂધમાં ભેળસેળ હોવાનું બહાર આવતા આ તમામ ટેન્કરને રિજેક્ટ કરી દેવામાં આવતા સમગ્ર મોરબી જિલ્લાના સહકારી આલમ અને દૂધ મંડળીઓમાં સનસનાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન મોરબીની મયુર ડેરીનું દૂધ રિજેક્ટ થવા મામલે મયુર ડેરીના સમહર્તા પ્રાણજીવનભાઈ કુંડારીયાનો તેમના મોબાઈલ નંબર ઉપર અનેક વખત સંપર્ક સાધવા છતાં ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો. વધુમાં મયુર ડેરીના દૂધ રિજેક્ટ થવા અંગે ડેરીના અન્ય ડિરેક્ટરનો સંપર્ક સાધતા તેઓએ દૂધ રિજેક્ટ થવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ રૂટિન બાબત છે દૂધના પરિવહન દરમિયાન ઘણી વખત દૂધ ખાટુ થઈ જતું હોય તો રિજેક્ટ થતું હોય છે, પરંતુ આજની ઘટનામાં મોટાપ્રમાણમાં એટલે કે છ થી સાત ટેન્કર દૂધ રિજેક્ટ થયું હોવાનું તેમને સ્વીકાર્યું હતું. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે મયુર ડેરીમાં આવતું દૂધ બીએમસી એટલે કે બલ્ક મિલ્ક ચિલિંગ સેન્ટરમાં રાખવામાં આવતું હોય છે અને યોગ્ય તાપમાને દુધને સાચવામાં આવતું હોય મોટા પ્રમાણમાં દૂધ ખાટુ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હોવાનું ડેરી ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મયુર ડેરીનું દૂધ અનેક વખત રિજેક્ટ થયું છે પરંતુ આ વાતને દબાવી દેવામાં આવતી હોય હક્કીક્ત લોકો સુધી પહોંચતી નથી. બીજી તરફ મોરબીની મયુર ડેરીનું દૂધ રિજેક્ટ થતા સુરસાગર ડેરી સુરેન્દ્રનગરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સુરસાગર ડેરીના તમામ સહયોગી દૂધ ઉત્પાદક સંઘને મોરબી પંથકનું દૂધ નહિ ભરવા કડક સૂચના આપી અમુક ડેરીઓમાં તપાસ પણ શરૂ કરાવી દીધી હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.