વ્યાજે લીધેલ મુદ્દલ તેમજ વ્યાજના પૈસા ભરપાઈ કરી દીધા હોવા છતા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ વાંકાનેર : વાંકાનેરમા ઉછીના લીધેલા નાણા તેમજ વ્યાજના પૈસા પરત કરી દેવા છતા ૬ વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની એક યુવકે એસપીને રાવ કરી છે. આ સાથે યુવકે પોતાના પર જીવ જોખમ હોવાનું જણાવીને ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાંકાનેરની મનમંદિર સોસાયટીમાં રહેતા પરેશ રમણિકલાલ રાવલે એસપીને અરજી કરી હતી કે તેઓ ખાનગી સર્વિસ કરે છે. પૈસાની જરૂરિયાત હોય, તેઓએ છ શખ્સો પાસેથી રૂ. ૩ લાખની રકમ સાદા વ્યાજે લીધી હતી. આ રકમ વ્યાજ સહિત ત્રણ થી ચાર વર્ષમાં ચૂકવી દીધી હોવા છતાં આ શખ્સો દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલવામાં આવી રહ્યું છે. આ શખ્સો અજય, અનિલ, મુકેશ, સુંદરજી, દિપક અને બ્રિજરાજસિંહ નામના શખ્સો દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે. વધુમાં યુવકે જણાવ્યું કે આ શખ્સોને આપવા માટે તેઓ પાસે કોઈ રકમ નથી. તેમ છતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આ શખ્સોના ત્રાસથી તેઓ આત્મહત્યા કરે તેવા સંજોગો ઉભા થયા છે. જેથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.