કાલે મકરસંક્રાંતિના પર્વે આકાશમાં પુરાશે રંગબેરંગી પતંગોની રંગોળી : કરૂણા અભિયાન અંતર્ગત ૧૦ સેન્ટરોમા કાતિલ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરાશે મોરબી : મોરબીમા મકરસંક્રાંતિના પર્વની આવતીકાલે સોમવારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે. પર્વ દરમિયાન વહેલી સવારથી જ ધાબા ઉપર પતંગરસિયાઓની મેદની એકત્ર થઇ જશે . પતંગ રસિયાઓ ભારે ઉમંગથી આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી બનાવશે. આ ઉપરાંત ધાબે ચડીને સૌ કોઈ ચીકી, લાડુ અને જીંજરાની મોજ માણસે. આ સાથે મોરબીવાસીઓ કાલે અંદાજિત દોઢ કરોડનું ઉંધિયું પણ ઝાપટી જશે. અબાલ વૃધ્ધ સહિત તમામ મોરબીવાસીઓએ પતંગોત્સવની તૈયારીઓ કરી લીધી છે બજારમાં વિવિધ પતંગો, મજબૂત માંજા, માસ્ક, પીપૂડા તેમજ ખાધવસ્તુઓ તલ, મમરાના લાડુ, વિવિધ ચીકી, જીંજરા, બોર, શેરડી સહિતની ચીજ વસ્તુઓની છેલ્લી ઘડી સુધી બજારમાંથી ધૂમ ખરીદી થઈ રહી છે. આવતીકાલે પરંપરા મુજબ સૌ કોઈ ઉંધીયાની લિજ્જત માણે છે. હોટેલો અને રેસ્ટોરન્ટમા મોટા પ્રમાણમાં ઉંધીયુ બનાવવામાં આવશે. જેમાં ઘણાએતો એડવાન્સ ઓર્ડર પણ મેળવ્યા છે. એક અંદાજ મુજબ આવતીકાલે રૂ. દોઢ કરોડનું ઉંધીયુ મોરબવાસીઓ ઝાપટી જવાના છે. મકરસંક્રાંતિમા દાન પુણ્યનો અનેરો મહિમા હોવાથી ગૌ શાળાઓ માટે વિવિધ જગ્યાએ સ્ટોલ નાખી દેવામાં આવ્યા છે. મોરબીવાસીઓ પતંગની સાથે દાનની સરવાણી પણ વહાવી રહ્યા છે. આવતીકાલે ગગનવિહારી પક્ષીઓને કાતિલ દોરાથી ઇજાઓ થયા બાદ તેને તાત્કાલિક સારવાર મળે તે માટે હેલ્પલાઇનની નગરજનોને જાણકારી આપવા કર્તવ્ય જીવદયા ગ્રુપ અને ક્રાંતિકારી સેના દ્વારા દેશભક્તિ ગીત સંધ્યા પણ યોજવામાં આવી હતી. પશુધન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ગત તા. ૧૦ થી આગામી ૨૦ સુધી ઘાયલ પશુઓની સારવાર માટે જિલ્લામાં ૧૦ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જીલ્લા પશુપાલન વિભાગના અધિકારી ડો. ભોરણીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં લીલાપર રોડ પરનું દવાખાનું, જેતપર પશુ દવાખાનું, સુધારા શેરી મંગલમય ટ્રસ્ટ હેલ્પલાઇન તથા જેલ રોડ પરનું પશુ દવાખાનું એમ ચાર સેન્ટરો તથા વાંકાનેરમાં જડેશ્વર રોડ પર પશુ દવાખાનું, હળવદમા પશુ દવાખાનું, માળિયામા પશુ દવાખાનું, ટંકારા અને મિતાણામાં દવાખાનું એમ ૧૦ સેન્ટરોમાં ૧૦ એમ્બ્યુલન્સ, ૩૭ ડોકટરોની ટીમ ખડેપગે રહેશે. મોરબીમાં ઘાયલ પશુ- પક્ષીઓની સારવાર માટે યદુનંદન ગૌશાળા મો.નં. ૯૮૨૫૨ ૧૩૧૧૪, કર્તવ્ય જીવદયા કેન્દ્ર મો.નં. ૭૫૭૪૮ ૮૫૭૪૭ અને એનિમલ હેલ્પલાઇન નં. ૭૦૧૬૨ ૫૭૦૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='43212,43213,43214,43215']