રમકડાંના બેટરી સેલ ખૂબ જોખમી હોવાથી બાળકને સેલ વાળા રમકડાં રમવા ન આપવા ડૉ. હિતેશ પટેલની અપીલ મોરબી : મોરબીમાં એક બાળકી રમતા - રમતા રમકડાંનો બેટરી સેલ ગળી જતા બાળકી માટે જીવનું જોખમ સર્જાયું હતું, જો કે બાળકીના માતા - પિતાએ સમય સુચકતા વાપરી મોરબીની ઓમ હોસ્પિટલમાં પહોંચી જતા એન્ડોસ્કોપી દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરી બાળકીને નવજીવન આપવામાં આવ્યું હતું. મોરબીની ઓમ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. હિતેશ પટેલેના જણાવ્યા મુજબ બાળકી રમકડાનો બેટરી સેલ ગળી જતા ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તેં પોતાનું થુંક પણ ગળી શકતી ન હતી અને ગળા અને છાતીનાં ભાગમાં ખૂબ બળતરા થતી હતી, શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હતી. બાળકીની ગંભીર હાલત જોતા હોસ્પિટલ દ્વારા તેના પરિવારજનોને સમજાવી તુરંત જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સફળતાપૂર્વક બાળકીનો બચાવ કરાયો હતો, આ સંજોગોમાં ડૉ. હિતેશ પટેલે જણાવ્યું હતું કે આવા સેલ ખૂબ જ જોખમી હોય છે અને ગળી જવાથી જો તાત્કાલિક સારવાર ન આપવામાં આવે તો જીવનું પણ જોખમ વધી જાય છે. અંતમાં ડોકટર હિતેશ પટેલે નાના બાળકોના માતા પિતાને અપીલ અને સૂચન કરતા સંદેશ આપ્યો હતો કે રમકડામાં આવતા આવા સેલ બાળકોથી દુર રાખવા અને સેલ વાળા રમકડાં બાળકોને રમવા માટે ન આપવા જોઈએ.