શાર્પશૂટર મીથીલેશ અને મૂળરાજસિંહ તા. ૩જી સુધી પોલીસ રિમાન્ડ ઉપર અન્ય બે આરોપી તા.૧ સુધીના રિમાન્ડ મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં તા. ૮ ડિસેમ્બરની સાંજે થયેલા અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં એટીએસના હાથે ઝડપાયેલા મીથીલેશ પંડિત અને મૂળરાજસિંહ તા. ૩જી સુધી પોલીસ રિમાન્ડ ઉપર સોપાયા છે ત્યારે આ ચકચારી બનાવમાં અંધાધૂંધ ફાયરિંગ માટે રૂ. ૫ લાખની સોપારી અપાયાનું બહાર આવ્યું છે. જાણવા મળ્યા મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં અમદાવાદ એટીએસ દ્વારા બિહારના શાર્પશૂટર મીથીલેશ ઉર્ફે અજય પંડિત રામજીભાઈ પાઠક આ કેસના મુખ્ય આરોપી હિતુભા સાથે પરોક્ષ રીતે સંપર્કમાં હોવાનું અને ધણીફૂટ ગોળીબાર કરવા બદલ પાંચ લાખ રૂપિયા લેવા અમદાવાદ આવતા એટીએસના હાથે ઝડપાઇ ગયાનું બહાર આવ્યું છે. દરમિયાન મોરબી પોલીસે ગઈકાલે શાર્પશૂટર મિથીલેશ ઉર્ફે અજય પંડિત, મૂળરાજસિંહ, વિજયસિંહ ઉર્ફે કડી અને ઋષિને નામદાર અદાલત સમક્ષ રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા અદાલતે મીથીલેશ અને મુળરાજસિંહના તા.૩જી જાન્યુઆરી સુધીના અને વિજયસિંહ તથા ઋષિના તા. ૧ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.