વર્ષ 2017-18માં કુલ 24.86 લાખ મુસાફરોએ મુસાફરી કરી:મોરબી જિલ્લાના 54 રૂટ ઉપર 70.46 લાખ કિલોમીટર બસ દોડાવાઈ મોરબી : નવા રચાયેલા મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવાન વિભાગને અલગ-અલગ રૂટ ઉપર બસ દોડાવવાનું ફાયદેમંદ સાબિત થયું છે 2018નું વર્ષ પૂરું થવામાં છે ત્યારે મોરબી જિલ્લામાં એસટી નિગમને કુલ 54 રૂટ ઉપર ચાલતી એસટી બસ થકી અધધ કહી શકાય તેવી 13.37 કરોડથી વધુની આવક થઈ છે. સીરામીક હબ મોરબી જિલ્લામાં દરરોજ અસંખ્ય મુસાફરો આવાગમન કરી રહ્યા છે ખાસ કરીને સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગને કારણે લોકોને મોરબી સાથે અતૂટ નાતો હોય વર્ષ 2017-18 દરમ્યાન મોરબી એસટી વિભાગ દ્વારા ચલાવવામાં આવતા 54 રૂટ ઉપર વર્ષ દરમિયાન 24 લાખ 86 હજાર મુસાફરોએ સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરતા મોરબી એસટી વિભાગને રૂપિયા 13,37,15000 કમાવી આપ્યા છે. હાલમાં મોરબી એસટી ડેપો પાસે કુલ 57 બસ છે જેમાં ગુર્જર નગરી, એક્સપ્રેસ, ડિલક્સ,મીડી અને લોકલ બસ થકી વર્ષ 2017 -18 દરમિયાન એસટી તંત્ર દ્વારા કુલ 70.46 લાખ કિલોમીટર બસ દોડાવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે મોરબી એસટી ડેપોને મુસાફર ભાડા ઉપરાંત ઘડિયાળ ઉદ્યોગને કારણે પારસલ સેવામાં પણ નોંધપાત્ર આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી અમદાવાદ અને મોરબીથી સુરત વચ્ચે એસી બસ સેવા શરુ કરવામાં આવી છે એજ રીતે અંજાર મોરબી વચ્ચે મીડી બસ સેવા ચાલુ કરવામાં આવી છે તદુપરાંત રાજકોટ ભુજ વચ્ચે દોડતી વોલ્વો બસને પણ મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. જિલ્લામાં હજુ પણ છ ગામડા એસટી સુવિધાથી વંચિત મોરબી : નવ રચિત મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની લાપરવાહ નીતિને કારણે હજુ પણ મોરબી અને માળીયા તાલુકાના છ ગામડાઓને એસટી બસ સેવાનો લાભ મળતો નથી.એસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ખીરઈ, દેવળીયા, વિરવિદરકા, વરસામેડી અને ફતેપરમા રસ્તાને કારણે બસ જઈ શક્તિ નથી આથી આ મામલે આરએન્ડબીને પત્ર પાઠવી રસ્તાના સમારકામ માટે જણાવાયું હોવાનું જણાવ્યું હતું.