બોગસ સીરામીક પેઢી ઉભી કરી ખોટા બિલો બનાવવા મામલે હળવદના ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ મોરબી : માત્ર કાગળ ઉપર સિરામિક પેઢી ઉભી કરી બોગસ જીએસટી નમ્બરના આધારે ખોટા ઇ- વે બિલ બનાવી સરકાર સાથે રૂપિયા ૪.૫૬ કરોડની કરચોરી કરવા મામલે હળવદ, મોરબી અને રાજકોટના ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા જીએસટી વિભાગના અધિકારી ઘનશ્યામ હજુરભાઈ પોરડીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સિકંદર મહમદ રફીકભાઈ વાલેરા, અનીલ અવચર દેલવાણીયા અને રાકેશ પટેલ નામના ત્રણ આરોપીઓએ સંગમ ટાઇલ્સ નામની બોગસ પેઢી ઉભી કરી સરકાર સાથે ૪,૫૬,૭૯,૩૧૧ ની છેતરપીંડી આચરી છે. વધુમાં કરોડો રૂપિયાના વ્યવહાર મામલે સંગમ ટાઈલ્સના માલિક સિકંદર મહમદ રફીક વાલેરા રહે હળવદવાળાની વેરા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં આરોપી સંગમ ટાઈલ્સનો માલિક પોતે ધંધો કરવા માટે જીએસટી નંબર મેળવવા અરજી કરેલ નથી કે ધંધો કરતા નાથી તેમ જણાવેલ છતાં જીએસટી નંબર મેળવ્યો હતો અને મે ૨૦૧૮ ના માસમાં ૪.૫૬ કરોડ ની મોટી રકમના ઈ વે બીલ જનરેટ કર્યા પરંતુ નિયમોનુસાર નમુના ૩ બી માં પત્રકો રજુ ના કરીને સરકારને નુકશાન પહોંચાડ્યું હતું અને વેચાણ કિમતના વેરા સરકારમાં જમાના કરાવે ત્યાં સુધી ટ્રસ્ટ મની તરીકે પડેલ હોય જેને દુરુપયોગ કરી વેપારી દ્વારા કરચોરી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, વેપારી સિકંદર વાલેરાએ લોન લેવા માટે અનીલ અવચર દેલવાણીયા રહે.મોરબી અને રાકેશ પટેલ રહે રાજકોટ વાળાને પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંક પાસબૂક આપી હતી અને આરોપીએ ખોટા દસ્તાવેજ ઉભા કરી છેતરપીંડી કરી માલની ડીલીવરી કર્યા વગર બિલીંગ પ્રવૃત્તિ કરી સરકારને કુલ વેરા રકમની વ્યાજની રકમ તેમજ દંડની રકમ સહીત કુલ ૪,૫૬, ૭૯,૩૧૧ ની કરચોરી કરી હોવાનું જણાવી રહ્યો છે. જો કે, હાલ તો હળવદ પોલીસે જીએસટી અધિકારીની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આરોપી પાસેથી છેતરપિંડીની વિગતો ઓકવવા તપાસ શરૂ કરી છે.