રવાપર રોડ ઉપર રાજકોટથી તફડંચી કરવા આવેલ બંટી બબલીને લોકોએ રંગેહાથ પકડ્યા : બે નાસી છૂટ્યા ગુન્હો નોંધવા તજવીજ મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર સાડીના શોરૂમને નિશાન બનાવી તફડંચી કરતા રાજકોટના બંટી - બબલીને લોકોએ રંગેહાથ ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા હતા જો કે, બંટી - બબલી ગેંગના બે સભ્યો નાસી છૂટવામા સફળ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આશીર્વાદ સાડીના શોરૂમમાં આજે સવારે ગ્રાહકના સ્વાંગમાં રાજકોટથી ત્રણ મહિલા અને એક પુરુષ આવ્યા હતા અને શોરૂમ માલિકની નજર ચૂકવી કિંમતી સાડીની ચોરી કરી હતી, જો કે, સજાગ દુકાનદાર તુરત પરિસ્થિતિ પામી ગયા હતા પરંતુ આમ છતાં બંટી બબલી ગેંગના બે મહિલા સભ્યો નાસી ગયા હતા. બીજી તરફ આશીર્વાદ સાડીમાં બંટી - બબલી ગેંગ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુના વેપારીઓ અને લોકો એકત્રિત થઈ ગયા હતા અને પકડાયેલ બંટી - બબલીને એ ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં દરમહીને આવા બે પાંચ કિસ્સા બની રહ્યા છે ત્યારે આજે આ બંટી - બબલી રંગે હાથ ઝડપાઇ જતા અનેક શોરૂમની ચોરીના ભેદ ખુલે તેમ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ તુરત મોરબી એ ડિવિઝન પોલીસે બંટી - બબલીને ગિરફતમાં લઈ ભાગી છુટેલ બન્ને મહિલાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. [gallery ids='41583,41584']