મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવ્યું મોરબી : રાફેલ ડીલ અંગે પાયાવિહીન અને અતાર્કિક આક્ષેપો કરી દેશની સુરક્ષા વ્યવસ્થા જેવી ગોપનીય બાબતોને લઈ કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો કરનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને લોકસેવક પદેથી હટાવવાની માંગ સાથે આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્ર્પતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાની આગેવાનીમાં આજરોજ રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું,આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેશની સુરક્ષા વ્યવસ્થાના અત્યંત ગોપનીય રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બાલિશતા ભર્યા નિવેદન આપી પાયાવિહીન અને અતાર્કિક આક્ષેપો કરી કિંમત સહિતની બાબતો અંગે સવાલો ઉઠાવતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં નામદાર ન્યાયાલય દ્વારા રાફેલ ડીલની તમામ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ હોવાનું સ્પષ્ટ કરતા રાહુલ ગાંધીના જુઠ્ઠાણાં ખુલ્લા પડ્યા છે. આ સંજોગોમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને દેશની સુરક્ષા જેવા ગંભીર મુદ્દે બાલિશતા ભર્યા નિવેદન કરી સરકાર ઉપર આક્ષેપો લગાવવા બદલ રાહુલગાંધીને લોકસેવક તરીકે પદભ્રષ્ટ કરવા માંગણી ઉઠાવી હતી.