ટ્રાઇનો કાયદો અમલી બને તો લોકોને મહિને રૂ.800 કેબલભાડું ચૂકવવું પડશે : સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપક વિરોધ મોરબી : સમગ્ર દેશમાં ટ્રાઈ દ્વારા સ્થાનિક કેબલ ઓપરેટરો માટે કડક નીતિ - નિયમોની અમલવારી કરવા નક્કી કરતા સમગ્ર સૌરાષ્ટ્રના કેબલ ઓપરેટરોમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે, જો ટ્રાઈના નિયમો લાગુ થાય તો કેબલ ભાડા રૂ.૨૫૦થી વધી રૂ. ૮૦૦ થવાની દહેશત વ્યક્ત કરી મોરબીના કેબલ ઓપરેટરો દ્વારા ૨૧મીએ સ્કૂટર રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. મોરબી જિલ્લા કેબલ એસોશિએશનના હોદેદારોના જણાવ્યા મુજબ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સ્થાનિક લોકલ કેબલ ઓપરેટરો માટે કડક નીતિ નિયમો અમલી બનાવવા તૈયારી શરૂ કરી છે અને આકરા કર બોઝ નાખવા પણ તજવીજ થતી હોય આગામી તા. ૨૧ ના રોજ મોરબી સિટીવીઝન ઓફિસથી બાઈક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટ્રાઈની નવી જોગવાઈનો વિરોધ કરવામાં આવશે. વધુમાં મોરબી જિલ્લા કેબલ એસોશિએશનના હોદ્દેદારોએ ઉમેર્યું હતું કે જો કેબલ ઓપરેટરો ઉપર ટ્રાઈની નવી જોગવાઈઓનો અમલ કરવામાં આવે તો હાલમાં ગ્રાહકો દર મહિને રૂ.૨૫૦ માં જે ચેનલો જોઈ શકે છે તે ચેનલો જોવા માટે રૂ.૮૦૦ ચૂકવવા પડશે, આમ ટ્રાઈની જોગવાઈ એકંદરે કેબલ ગ્રાહકો માટે આને ઓપરેટરો માટે નુકશાન કરતા હોવાનું અંતમાં જણાવાયું હતું.