હળવદના સુખપુર ગામનો ચોંકાવનારો કિસ્સો : બે મહિના પૂર્વે મીટર બળી ગયાની જાણ કરી, નાણાં ભર્યા છતાં બાબુશાહીમાં દંડ !! હળવદ : હળવદ તાલુકાના સુખપુર ગામે ખેતીવાડી વીજ કનેક્શનનું મીટર બળી જતા ખેડૂતે મીટર બદલવા અરજી કરી નાણાં ભરી દેવા છતાં વિજતંત્ર દ્વારા ચેકીંગ કરી વિજચોરીનો બે લાખ જેટલો દંડ ફટકારતા માઠા વરસમાં ખેડૂતને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના સુખપુર ગામે ખેતીવાડી કરતા કાળુભાઇ સવજીભાઈ દલવાડી પોતાની વાડીમાં ૨૦ હોર્સ પાવરનું કૃષિવિષયક વીજ જોડાણ ધરાવતા હતા જેમાં ઓગષ્ટ મહિનામાં વિજમીટર બળી જતા આ મામલે વિજતંત્રને તેઓએ લેખિત અરજી કરી મીટર બદલવા માટે નિયત ફી રૂપિયા ૨૨૭૫થી વધુ ભરી આપ્યા હતા. દરમિયાન તા.૭ ના રોજ પીજીવીસીએલ વીજ કંપની દ્વારા કોઈ પણ કારણો વગર હળવદ સુખપુરના ખેડૂતને ત્યાં વિજચેકીંગના બહાને ત્રાટકી કાળુભાઇનું વિજમીટર અને સર્વિસ કબ્જે કરી રૂપિયા બે લાખથી વધુનો દંડ ફટકારતા ખેડૂત પરિવાર ચિંતામાં ઘેરાયો છે. જો કે, હાલમાં ખેડૂત કાળુભાઇ દલવાડીએ આ મામલે અધાર પુરાવા સાથે વિજતંત્રની વડી કચેરીએ ધા નાખી ન્યાય આપવા માંગ કરી છે, આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે વિજમીટર બળી જવા અંગે લેખિત જાણ કરવા છતાં લાપરવાહ વિજતંત્રે ખેડૂતની લેખિત અરજી કોરાણે ફેંકી દેતા ખેડૂતને માઠા વરસમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.