ATS ટીમે બે દિવસમાં મહત્વની કડીઓ હાથવગી કરી તપાસને વેગ આપ્યો મોરબી : મોરબીના ચકચારી ગેંગવોર પ્રકરણમાં ભાડૂતી મારાઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા આ મામલે એ-ટી ટેરેરીસ્ટ સ્ક્વોડ અમદાવાદાની ટીમને મળેલા ઇનપુટ્સ બાદ તપાસમાં ઝંપલાવતા એટીએસની આગેવાનીમાં તપાસની ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે, મોરબી પોલીસની ચુનંદા ટીમને સાથે રાખી ચાલતી તપાસમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા છે પરંતુ પોલીસ દ્વારા આ બાબતે કોઈ સતાવાર વિગતો જાહેર કરાઈ નથી. મોરબી શહેરના ક્રાઈમ હબ સમા કાલિકા પ્લોટમાં શનિવારે સાંજે મીરગેંગ ઉપર હિન્દીભાષી શખ્સોએ અંધાધુંધ ફાયરિંગ કરતા એક નિર્દોષ બાળકનું મોત નિપજયુ હતું જો કે આ ઘટનામાં જેના માટે ફાયરિંગ કરાયું હતું તે મીર ર્ગેગના આરીફ મીર સહિત અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ પ્રકરણમાં આરીફ મીરે તેના ભાઈ મુસ્તાકની હત્યાના આરોપી હિતુભા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મોરબીમાં મુંબઈ સ્ટાઈલથી ગેંગવોરની ઘટનામાં ભાડૂતી મારાઓના ઉપયોગ થયાની આશંકાએ આ ઘટનાની તપાસમાં એટીએસ અમદાવાદની ટીમે પણ ઝંપલાવ્યુ છે અને બે દિવસથી એટીએસની ટીમે તપાસનો દોર સંભાળી મોરબી જિલ્લા પોલીસની ચુનંદા સભ્યોની ટીમ સાથે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી ઘટનાની મહત્વની કડીઓ જોડવા કવાયત હાથ ધરી છે. જો કે પોલીસ તપાસ અંગે પોલીસ તંત્ર દ્વારા કોઈ જ સતાવાર જાહેર કરાઈ નવી અને તપાસ ચાલુ હોવાનું રટણ કરાઈ રહ્યું છે, ટોચના સુત્રોના જણાવ્યા મુજબ એટીએસની ટીમ દ્વારા આ ઘટનામાં ભાડુતીમારાના ઉપયોગ અંગે મહત્વની વિગતો હાથવગી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને હાલ ઉચ્ચ અધિકારીઓની ટીમની આગેવાની હેઠળ વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઈ છે. જેમાં તપાસ ચોકક્સ દિશામાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં આ પ્રકરણની ખૂટતી કડીઓ પોલીસના હાથ આવે તેવી શક્યતાઓ હોવાનું જાણવા મળ્યું છે.