૧૮ કલાકની જહેમત બાદ તરવૈયાઓએ લાશને બહાર કાઢી : પરિવારજનોમાં શોક હળવદ : ગત મોડી સાંજે હળવદ તાલુકાના જુના ઈસનપુર ગામે રહેતા ર૮ વર્ષિય ખેડૂત યુવાન નર્મદા કેનાલમાં પાઈપ રિપેરીંગ કરવા જતા કેનાલમાં ગરકાવ થયો હતો. જાકે તરવૈયાઓની ટીમ દ્વારા ભારે શોધખોળ આદરાયા બાદ આજે ખેડૂત યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને ૧૮ કલાક વિત્યા બાદ લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ બનાવને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની મળતી વિગતો મુજબ જુના ઈસનપુર ગામે રહેતા મુકેશભાઈ ધનાભાઈ મકવાણા (ઉ.વ.ર૮) ગઈકાલના મોડી સાંજે ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કાંઠે પાઈપ લાઈનને મશીનમાં ફીટ કરવા જતા યુવાન નર્મદા કેનાલમાં પડી જતા શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારે સતત તરવૈયાઓની ટીમની શોધખોળ બાદ આજે યુવાનની લાશ મળી આવતા હળવદ પોલીસે પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડી તજવીજ હાથ ધરી છે. જયારે બીજી તરફ જુના ઈસનપુર ગામના ર૮ વર્ષિય ખેડૂત યુવાન કેનાલમાં પડી ગયાના બનાવ બાદ અંતે આજે ૧૮ કલાક બાદ ખેડૂત યુવાનની લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.