દસ - દસ મહિનાથી અટકેલા પુલનું ખાતમુહૂર્ત થતા લોકોમાં આશા બંધાઈ વાંકાનેર : વાંકાનેર થી રાજકોટ તરફ જવા માટેના પાતાળીયા પુલને દસ માસ પૂર્વે તોડી પડાયા બાદ લાંબા સમયને અંતે ગઈકાલે માર્ગ ને મકાન વિભાગ દ્વારા અહીં 12.5 ફૂટ ઉંચો પુલ નિર્માણ કરવા માટે બીજી વખત ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં નવો પુલ બનવા અંગેની આશા બંધાઈ છે. વાંકાનેર થી રાજકોટ જવાના રસ્તે પતાળીયા નદી ઉપર બેઠો પુલ 10 ફેબ્રુઆરી 2018 ના રોજ તોડી પાડવામાં આવેલ અને આ બેઠા પુલની જગ્યાએ સાડા બાર ફૂટ ઉંચો પુલ બનાવવાની પ્રક્રિયા તારીખ 15 ફેબ્રુઆરી 2018 થી શરૂ કરીને તારીખ 16 જુન 2018 સુધીમાં પુલનું નિર્માણકામ પૂર્ણ કરવા અંગે મોરબી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આ રસ્તાની બંને તરફ જાહેરનામાંના બોર્ડ મૂકીને પ્રજાને જણાવેલ કે આ પુલની કામગીરી ચાર માસમાં પૂર્ણ કરી જાહેર જનતા માટે આ પુલ ખુલ્લો મૂકવામાં આવશે.જોકે આ સરકારી જાહેરનામાંના હુકમની કોઈ અસર જોવા મળી નહોતી અને આ મુદત પરિપૂર્ણ થયાં સુધી આ પુલના નિર્માણની કામગીરી નો કોઈ પ્રારંભ થયેલ ન હતો આ પુલના નિર્માણ કાર્ય માટે વાંકાનેરના પત્રકાર મહંમદભાઈ રાઠોડ દ્વારા અવારનવાર સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓને રજૂઆતો કરી લોકોની વ્યથા તેમજ લોકોની ધીરજ હવે ખૂટી રહી હોવાની વાસ્તવિકતાની ચર્ચાઓ બાદ ટૂંક સમયમાં આ પૂલનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવશે તેવી હૈયાધારણાઓ અપાયેલ.આ પુલ બનનાર છે તે રસ્તો રાજકોટ, મોરબી, માટેલ તથા અમદાવાદ જતાં વાહન વ્યવહારથી સતત વ્યસ્ત રહેતો હોય અને હાલની ટ્રાફિક સમસ્યા પણ ઘેરી બનતી હોય ગઈકાલે માર્ગ-મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર પોતાના કાફલા સાથે આ પુલ ની સાઈડ પર આવતાં પત્રકાર મહંમદ રાઠોડે તેમનું સ્વાગત કરી નાળિયેર વધેરી આ પુલના પાયાના કામનો પ્રારંભ મુહૂર્ત કરાવેલ જેથી લોકોને આશા જાગી છે કે હવે આ પૂલનું નિર્માણ કાર્ય ખરેખર ચાલુ થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ફેબ્રુઆરી મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં પણ અહીં નિર્માણકાર્ય શરૂ કરવા માટે મુહૂર્ત કરેલ પરંતુ આજ સુધી પુલ પાડવા સિવાય એક ઈંટ પણ મુકવામાં આવેલ નથી આશા રાખીએ કે આ નિર્માણકાર્ય ખરેખર શરૂ થાય ફક્ત ફોટોસેશન પૂરતું સીમિત ન રહે. અહીં એ પણ નોંધનીય છે કે આપ પુલ તોડી પાડયા બાદ પુલની બંને સાઇડ રસ્તા પર કોઈ જાતની આડસ મુકવામાં આવેલ નથી અને રોડ પરથી વાહનચાલકો ગમે ત્યારે રસ્તાની નીચે વોકળામાં પડી જવાની શક્યતાઓ રહેલી છે જેને કોન્ટ્રાક્ટરની માનવ જિંદગી સાથે ખેલવાડ કરવાની બેદરકારી કહી શકાય પરંતુ વાંકાનેરમાં જનતા માટે આ બાબતની ચિંતા કરનાર કોઇ અગ્રણીઓ કે અધિકારીઓ નથી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38419,38420,38421']