પુત્રનું દેણું ભરવા 13 વીઘા જમીન પણ વેચી નાખી મોરબી : મોરબીના જેતપર ગામે અરેરાટી પમાડે તેવા એક કિસ્સામાં પુત્ર સટ્ટામાં પૈસા હારી જતા જમીન વેચી નાણાં ભરપાઈ કરવા છતાં પણ દેવું ભરપાઈ ન થતા પિતાએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર ગામે રહેતા હરીલાલ લાલજીભાઇ કંડીયા, ઉવ-૫૦ વાળાએ પોતાના ખેતર જેતપર ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે પોલીસે જીણવટ ભરી તપાસ શરૂ કરતા ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ઘટના અંગે તપાસનીશ પોલીસ અધિકારી પીએસઆઇ એન.જે.રાણાએ જણાવ્યું હતું કે મૃતક હરિલાલભાઈ કંડીયાનો પુત્ર આઇપીએલ ક્રિકેટના સટ્ટામાં રૂપિયા હારી જતા હરિભાઈએ પોતાની 40 વીઘા જમીન પૈકી 13 વીઘા જમીન વેચી નાખી હતી આમ છતાં દેવું ભરપાઈ ન થતા ગુમસુમ રહેતા હરિભાઇએ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.