ચાની લારી ચલાવી પેટિયું રળતા યુવાને હડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર ટીમ્બડી પાટિયા નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે યુવાનને હડફેટ લઈ ફૂટબોલની જેમ ફંગોળતા આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું અને ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નેશનલ હાઇવે ઉપર ટીમ્બડીના પાટિયા નજીક ચાની લારી ધરાવતો વીનેસ હરિભાઈ બારોટ ઉ. ૨૧ સર્વિસ રોડ ઉપર ચાલીને જતો હતો ત્યારે કચ્છ તરફથી આવતા માતેલા સાંઢ જેવા કાળમુખા ડમ્પરે હડફેટ લેતા વીનેશનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ડમ્પર ચાલકે વીનેસને હડફેટ લઈ નાસી છૂટ્યો હતો.હાલમાં પોલીસે ઘટના અંગે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.