તા.12મીએ લાભપાંચમે મુખ્યમંત્રીએ જાહેરાત કરી અને 14મીએ બિનખેતીનો હુકમ મોરબી : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.12ને લાભપાંચમે બિનખેતી સરળીકરણ કરવા જાહેરાત કરતાની સાથે જ મોરબી જિલ્લામાં બિનખેતી માટે વજેપરના ખેડૂતે અરજી કરતા આજે તા.14ના રોજ જિલ્લા કલેકટર દ્વારા ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરી અરજદારને બિનખેતી હુકમ આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં સરકારી કામગીરીને પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.12ને લાભપાંચમના રોજ ઓનલાઇન બિનખેતી પ્રક્રિયાનો શુભારંભ કરાવાયો હતો, જોગાનુજોગ મોરબીમાં તા.12ના રોજ વજેપરમા રહેતા ખેડૂત હરજીવનભાઇ નરશીભાઈ નકુમેં વજેપર રેવન્યુ સર્વે નંબર 1018 પૈકી 2ની 4148 ચોરસ મિટર જમીન ખેતીમાંથી બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી. દરમિયાન મોરબી જિલ્લાનો પ્રથમ ઓનલાઇન બિનખેતીનો કિસ્સો હોવાથી જિલ્લા કલેકટર આર.જે.માંકડિયા, અધિક નિવાસી કલેકટર કેતન જોશી અને બિનખેતી શાખાના નાયબ મામલતદાર નીખિલભાઈ જોશી સહિતના સ્ટાફ દ્વારા ઝડપી કામગીરી કરાવી ઓનલાઇન ફી, ચલણ ભરવાની પ્રક્રિયા સંપ્પન કરી લઈ આજરોજ વજેપરના અરજદાર હરજીવનભાઇ નરશીભાઈ નકુમને બિનખેતીનો ઓનલાઇન હુકમ આપ્યો હતો.