રાજપરથી મિસ્ત્રીકામ કરી પરત ફરી રહેલા ત્રણ - ત્રણ પરપ્રાંતિય યુવાનોના મોતથી પરિવારજનોમાં કાળો કલ્પાંત મોરબી : મોરબી પંથકમાં યમરાજાએ ડેરા તાંબું નાખ્યા હોય તેમ બેસતાવર્ષના દિવસે ત્રણ ત્રણ લોકોના મોત બાદ આજે મોરબી રાજપર રોડ રાજપર અને ચાચાપર ગામની વચ્ચે મારુતિ એસક્રોસ ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટ લેતા ત્રણ - ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા મોરબી સિવિલ હોસ્પિટલમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રીકામ કરી ગુજરાન ચલાવતા યુવાનો ચાચાપર રાજપર તરફથી ત્રિપલ સવારી બાઇકમાં પરત આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી મારુતિ એસક્રોસ નંબર જીજે ૩૬ બી ૩૧૨૯ નંબરના ચાલકે જોરદાર ટક્કર મારતા ત્રણેય યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા.લક નાસી છૂટ્યો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઈકનો બુકડો બોલી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ચાંચાપર ગામેથી મિસ્ત્રિકામ કરી પરત ફરી રહેલા રાહુલ વાસુદેવ પ્રસાદ ઉ.૨૦, ધર્મેન્દ્રકુમાર જાવર કનોજીયા ઉ. ૨૫ રે.બને કબીર ટેકરી મોરબી અને ધર્મેન્દ્રકુમાર રામજીતસિંહ કુમાર ઉ.૩૦ રે.વિરપર વાળાના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા, વધુમાં ધર્મેન્દ્રકુમાર કનોજીયા પરણિત હોવાનું અને બે સંતાન હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ધર્મેન્દ્ર કુમાર રામજીતસિંહને એક સંતાન હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટનાર રાહુલ વાસુદેવ પ્રસાદના આગામી મેં માસમાં લગ્ન હોવાનું તેમના નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું. રાજપર અને ચાચાપર વચ્ચે મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા મિસ્ત્રી યુવાનોને અકસ્માત નડ્યો હોવાનું જાણ થતા જ મોરબીમાં રહેતા યુપીના રહેવાસીઓ મોટીસંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને એક સાથે ત્રણ ત્રણ આશાસ્પદ યુવાનોના અકાળે મોતથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને કાર નમ્બરના આધારે અકસ્માત સર્જી નાસી છુટેલ કાર માલિક, ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.