તા. 12 જુલાઈના રોજ ભયંકર ગેરરીતિના આરોપની તડાફડી લગાવી સિંચાઈ મંત્રીને ફરિયાદ કરનાર જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે 30મીએ ગુલાંટ મારી ભ્રષ્ટાચાર જ ન થયો હોવાની અરજી કરતા પોલીસના રડારમાં મોરબી : સમગ્ર મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં હળવદ વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા ની ધરપકડ બાદ હવે સળગતું રોકેટ જિલ્લા ભાજપ મહામંત્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. કારણકે તા. 12 જુલાઈના રોજ ભયંકર ગેરરીતિના આરોપની તડાફડી લગાવી સિંચાઈ મંત્રીને ફરિયાદ કરનાર જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે 30મી એ દેરાણી જેઠાણીની જેમ ગુલાંટ મારી ભ્રષ્ટાચાર જ ન થયો હોવાની અરજી કરતા પોલીસના રડારમાં આવી ગયા છે. ચકચારી તળાવ કૌભાંડમાં રોજે રોજ નિતનવા ફણગા ફૂટી રહ્યા છે ત્યારે હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની ધરપકડ બાદ જેટગતિએ તપાસ ચલાવી રહેલ મોરબી પોલીસના રડારમાં જીણા જીણા સુરસુરિયા કરી કૌભાંડીયાઓ પાસેથી નાણાં પડાવનાર અનેક લોકોના નામોની લાંબી લચક યાદી તૈયાર થઇ જતા કેટલાક લોકો તો પોતાની ઓફિસે અલીગઢીયા લગાવી દિવાળી બચાવવા હવાતિયાં મારવા શરૂ કર્યા હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની જેમ જ અગાઉ તા.12 જુલાઈના રોજ રાજ્યના સિચાઈમંત્રી પરબતભાઇ પટેલને હળવદ રહેતા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલે રજુઆત કરી જણાવ્યું હતું કે હળવદના તમામ ગામોમાં તળાવના કામોમાં વ્યાપક ગેરરીતિ થયેલ છે અને ખાસ કરીને જિલ્લા ભાજપ મહામંત્રીના પોતાના ગામમાં જ લાખો રૂપિયાના કામ કાગળ ઉપર દેખાડી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ બાદમાં એવું તે શું રંધાઈ ગયું કે જાણે જિલ્લા ભાજપના મહામંત્રી કોઈ મોટા ઈજનેર હોય તેવો પત્ર લખી કાર્યપાલક ઇજનેરને એવો પત્ર પાઠવ્યો કે પોતે તળાવ કામોની સ્થળ તપાસ કરતા ક્યાંય ગેરરીતિ નથી અને જ્યાં નબળી કામગીરી જોઈ ત્યાં પછીના 10 દિવસમાં બધા કામો વ્યવસ્થિત થઇ ગયા !!!! આ બંને લેટરપેર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આમ, પહેલા ભ્રષ્ટાચારના સૂતળીબોમ્બ મૂકી તંત્રને ભો ચકરડીની જેમ ગોથે ચડાવનાર જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલે દેરાણી જેઠાણીની જેમ પોતાનો સ્વાર્થ સાધી લીધો હોવાની ચર્ચા વચ્ચે તપાસનીશ પોલીસ પાસે પણ આ મુદ્દો પુરાવા સહીત પહોંચી ગયો છે. દરમિયાન તળાવ કૌભાંડના આક્ષેપો મામલે જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ તળાવ કૌભાંડ કેટલાયની દિવાળી બગાડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.