બદલી રોકવા આજુ બાજુના ગામના લોકો તથા પદાધિકારીઓ દ્વારા રજુઆત મોરબી : મોરબી તાલુકાના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સનિષ્ઠ ફાર્માસિસ્ટ નિલેશભાઈ સરાસવાડિયાની અચાનક જ બદલી કરી નાખવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે અને આજુબાજુના ગ્રામજનો તથા પદાધિકારીઓ દ્વારા તેમનો બદલી હુકમ રદ કરવા માંગણી ઉઠાવવામાં આવી છે. બગથળા અને આજુબાજુના ગ્રામજનોના જણાવ્યા મુજબ ફાર્માસિસ્ટ નિલેશભાઈની અથાગ મહેનત , વ્યક્તિગત કુનેહ તથા કોઠાસૂઝથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાને છેલ્લા છ વર્ષથી સતત બેસ્ટ પી.એચ.સી,બેસ્ટ બ્યુટી ફિકેશન,બેસ્ટ વૃક્ષારોપણ,એન.ઓ.સી, તથા પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત નો કાયાકલ્પ એવોર્ડ મેળવેલ છે. કેન્દ્ર એ ગત ૧૫ મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યદિને માળિયા ખાતે વિશિષ્ટ કામગીરી કરવા બદલ કલેકટર દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. વધુમાં નીલેશભાઈએ પણ જિલ્લાના બેસ્ટ ફાર્માસિસ્ટનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે અને આરોગ્યકેન્દ્ર માટે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી ગ્રાન્ટ મંજૂર કરાવી પ્રા.આ કેન્દ્રને ખાનગી હોસ્પિટલ ને ટક્કર મારે તેવું તથા હકારાત્મકતા ને કારણે આજુબાજુના તમામ ગામના લોકોના ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલ છે. બગથળા પીએચસીને ભારતભરમાં મોડેલ પી.એચ.સી, બનાવવાના ધ્યેય સાથે ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ કર્મચારીની અચાનક અન્ય કેન્દ્રમાં જિલ્લા આરોગ્ય શાખા દ્વારા બદલી કરતા બગથળા તથા આજુબાજુના ગામના લોકો, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા તેઓને પુનઃ બગથળા કેન્દ્ર માં પોસ્ટિંગ આપવા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.