નિર્દોષ પિતા-પુત્રના પગ ભાંગી નાખનાર આરોપીઓ આખરે પોલીસની પકડમાં હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે પાંચ દિવસ પૂર્વે યુવતી ભગાડી ગયા હોવાની શંકાએ નિર્દોષ પરિવાર પર બારવટીયાની માફક ૧૩ શખ્સોએ હિચકારો હુમલો કરી એક યુવાનનો અપહરણ કર્યાનો બનાવ હળવદ પોલીસ મથકે નોંધાયો હતો. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલીક એક આરોપીને ઝડપી લેવાયો હતો. જયારે બાકીના ૧ર આરોપીઓ ફરાર હોય જેમાં આજે આઠ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા બનાભાઈની દિકરીને માદેવાભાઈ દેત્રોજાનો પુત્ર ભગાડી ગયો હોવાની શંકાએ આરોપીઓ તુફાન ગાડી ભરી માદેવભાઈની વાડીએ ધસી જઈ આતંક મચાવી નિર્દોષ પરિવારના પિતા-પુત્રના પગ ભાંગી નાખી એક યુવાનનું અપહરણ કરી ગયા હોવાની રમેશભાઈ માદેવાભાઈ દેત્રોજાએ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આરોપી જસમત અણદાને ઝડપી લીધો હતો. જયારે અન્ય બાર આરોપીઓ ફરાર હતા જેને ઝડપી લેવા પી.આઈ. એમ.આર. સોલંકી દ્વારા જુદીજુદી ટીમો બનાવી આરોપીઓની સઘન શોધખોળ આદરી હતી. ત્યારે આજે ફરાર આરોપીઓ દિલીપ અણદા શિહોરા, બાબુ અણદા શિહોરા, ગુલાબ અણદા શિહોરા, દિપેશ શિહોરા, ચોથાભાઈ ઈસાભાઈ, બળદેવભાઈ શિહોરા, વનરાજભાઈ ભાવુભાઈ, વિકાસભાઈ ભાવુભાઈ સહિત આઠ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.