કુલ ૧૨ સામે નોંધાયેલી ફરિયાદમાં છ આરોપીઓ રજૂ થતા તપાસ વેગવંતી મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ત્રણ બોરીચા ભાઈઓ પર નવરાત્રીમાં હુમલા પ્રકરણમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નિપજયા બાદ ગઈકાલે બોરીચા સમાજ દ્વારા લેખિત રજુઆત કરી ત્રણ પોલીસમેન સામે આક્ષેપો કરી તેમની પણ ધરપકડ કરવા માંગ કરી હતી તો બીજી તરફ આ હત્યા કેસમાં જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે એવા છ આરોપી પોલીસમાં સામેથી હાજર થતા પોલીસે અટકાયત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ નવરાત્રીમાં ગરબી નજીક ગાળો બોલવા મુદ્દે થયેલ માથાકૂટમાં મોરબી બોરીચાવાસમાં રહેતા જયરાજ જીલુભાઈ બોરીચા, જયદીપ જીલુભાઈ બોરીચા અને જીગર જીલુભાઈ બોરીચા નામના ત્રણેય ભાઈઓને લીલાપર નજીક માથાકૂટ થઈ હતી જેમાં જયરાજનું મૃત્યુ નિપજતા છ ઈસમો વિરુદ્ધ નામ જોગ અને છ અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે જીગર જીલુભાઈ બોરીચાએ આ હત્યા કેસમાં સંડોવાયેલ ત્રણ પોલીસમેન સામે પગલાં ભરવા માંગ કરી લેખિત રજુઆત કરી હતી. બીજી તરફ આ હત્યા કેસ મામલે આરોપી હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું અને દીપકસિંહ વાઘેલા નામના છ આરોપીઓ પોલીસમાં હાજર થતા પોલીસે વિધિવત અટકાયત કરી હોવાની વિગતો પ્રકાશમા આવી છે.